યુકેમાં દર મિનિટે એક માઈગ્રન્ટનું આગમન

Monday 16th March 2015 07:48 EDT
 
 

લંડનઃ થિન્ક ટેન્ક માઈગ્રેશન વોચના નવા રિપોર્ટમાં માઈગ્રેશન અરાજકતા માટે ૧૯૯૭-૨૦૦૧ની લેબર પાર્ટી સરકારની ‘ઓપન ડોર’ પોલિસીને કારણભૂત ગણાવાઈ છે. આ સમયગાળામાં ૭.૨૩ મિલિયન લોકોને બ્રિટનમાં પ્રવેશ અપાયો હતો. ૧૩ વર્ષમાં દર મિનિટે એક માઈગ્રન્ટના હિસાબે લોકો બ્રિટનમાં આવતા રહ્યાં હતાં. આ આંકડામાં યુકેમાં જન્મેલા તેમના સંતાનો કે ગેરકાયદે ઘૂસેલા લોકોનો સમાવેશ થતો નથી. ઈમિગ્રેશન અરાજકતા માટે વિઝા નિયમોમાં હળવાશ, બોગસ વિદ્યાર્થીઓ અને એસાઈલમ સીકર્સને માફીને દોષિત ગણાવાઈ છે.

લેબર પાર્ટીના ૧૯૯૭-૨૦૧૦ના શાસનકાળમાં વિદેશી વસ્તીમાં ૩.૬ મિલિયનનો વધારો થયો હતો, જે તેની અગાઉના ૧૩ વર્ષની સરખામણીએ ચાર ગણો હતો. આ વધારો બ્રિટનમાં લંડન સિવાય સૌથી વિશાળ પાંચ શહેરો- બર્મિંગહામ, લીડ્ઝ, ગ્લાસગો, શેફિલ્ડ અને બ્રેડફોર્ડની કુલ સંયુક્ત વસ્તી સમાન હતો. મતદારો બીજા ક્રમના મહત્ત્વના મુદ્દા તરીકે ગણાવે છે તે ઈમિગ્રેશન મુદ્દાએ આગામી ચૂંટણીના પ્રચાર અભિયાનમાં અગ્રસ્થાન મેળવ્યું છે.

લેબર પાર્ટીના એડ મિલિબેન્ડે નેટ માઈગ્રેશન હજારોમાં લાવવાની ટોરી પાર્ટીની નિષ્ફળતાની હાંસી ઉડાવી છે, પરંતુ હવે તેમના જ પક્ષના રેકોર્ડ પર રિપોર્ટે આંગળી ચીંધી છે. લેબર પાર્ટીના ૧૩ વર્ષના શાસનમાં નેટ ફોરેન ઈમિગ્રેશન ૩.૬ મિલિયન હતું. પોલેન્ડ અને પૂર્વ યુરોપીય બ્લોકના અન્ય સાત દેશો ૨૦૦૪માં ઈયુમાં સામેલ થયાં ત્યારે સરહદો પર અંકુશો ન લાદવાનો નિર્ણય અને શંકાસ્પદ બનાવટી લગ્નો નજરઅંદાજ કરવાની વૃત્તિ અરાજકતા માટે કારણભૂત હતી. મિનિસ્ટરોએ દર વર્ષે માત્ર ૧૩,૦૦૦ લોકો યુકે આવશે તેવો અંદાજ રાખ્યો હતો તેની સામે દસ લાખથી વધુ લોકો બ્રિટનમાં આવ્યાં હતાં. યુકેમાં વસવાટ પછી ઈમિગ્રન્ટ્સને નાગરિકત્વ માટે અરજી અને સામાન્ય ચૂંટણીમાં મતાધિકારના હકો પણ મળ્યા હતા. નાગરિકત્વ ન હોય પરંતુ બ્રિટનમાં રહેવાનું સરનામું હોય તેવા કોમનવેલ્થના ૧૦ લાખથી વધુ લોકો મતદાર યાદીમાં સત્તાવાર નામ નોંધાવી શકતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter