યુકેમાં બંગાળી વિરાસત અને યોગદાનને સન્માનતા બેંગાલ પ્રાઈડ એવોર્ડ્સ

Wednesday 24th July 2019 02:49 EDT
 
 

લંડનઃ યુકેમાં સ્થાયી થયેલા બંગાળી ડાયસ્પોરાની સિદ્ધિઓને સન્માનવા ૧૦ જુલાઈને બુધવારે હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ રૂમમાં સાંસદો, બિઝનેસમેન અને અન્ય ગણમાન્ય અતિથિઓ એકત્ર થયા હતા. સાઉથએન્ડ વેસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસની યજમાનીમાં યોજાયેલા બેંગાલ પ્રાઈડ એવોર્ડ્સને લેક્સસ એન્ડ ટોયોટા મોટર્સના ફ્રેન્ચાઈઝ જેમ્કા મોટર્સ અને હિપ્પો કેબ્સ યુકે દ્વારા સ્પોન્સર કરાયા હતા. યુકેના વિકાસમાં બંગાળી સમુદાયે આપેલા પ્રદાનને ઉજાગર કરવાના હેતુથી સતત બીજા વર્ષે યોજાયેલા આ એવોર્ડ સમારોહને એશિયન વોઈસ/ગુજરાત સમાચારનું સમર્થન પ્રાપ્ત થયું હતું.

કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસે બંગાળી કોમ્યુનિટીને બીરદાવતા જણાવ્યું હતું કે, ‘બંગાળી સમાજ સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ ધરાવે છે અને બંગાળી ડાયસ્પોરાએ યુકેની પ્રગતિમાં વ્યાપક પ્રમાણમાં યોગદાન આપ્યું છે. તેમણે હકીકતમાં બિઝનેસથી માંડી કળા, વિજ્ઞાન અને નાગરિક સમાજ સુધીના તમામ ક્ષેત્રોમાં આપણા સમાજને સમૃદ્ધ બનાવ્યો છે અને બ્રેક્ઝિટ પછીના યુકે માટે પણ તે ઉજ્જવળ ભવિષ્ય બની રહેશે.’

૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર યુકેની કુલ વસતીના ૦.૭ ટકા લોકોએ તેઓ બંગાળીભાષી હોવાનું જણાવ્યું હતું. એક દાયકા અગાઉની વાત કરીએ તો યુકેમાં માઈગ્રન્ટ ભારતીય બંગાળીઓ અને બાંગ્લાદેશી વસતીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાનું જણાયું હતું. તેઓની જે પણ થોડી ઘણી ઓળખ હતી તે યુકેના કરી હાઉસીસની આસપાસ જ જોવા મળતી હતી અને ત્યાં સુધી સીમિત રહી હતી.

જોકે, આજે બીજી પેઢીના બંગાળીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે અને તેમણે યુકેની આર્ટ અને કલ્ચર ઈન્ડસ્ટ્રીમાં નવું અને લાભદાયી પરિવર્તન કર્યું છે. બીજી તરફ, પ્રોફેશનલ્સે પણ સ્પોર્ટ્સ, હેલ્થકેર, એવિએશન, મીડિયા સહિતના અન્ય ક્ષેત્રોમાં પગ જમાવ્યો છે.

એડવાટેક હેલ્થકેર યુરોપ લિમિટેડના ડિરેક્ટર અને સીઈઓ સમીત કુમાર બિશ્વાસે જણાવ્યું હતું કે, ‘અમારો મૂળભૂત ઉદ્દેશ બેંગાલ્સ પ્રાઈડ એવોર્ડ્સના માધ્યમથી બાંગ્લાદેશ અને ભારતના બંગાળી ડાયસ્પોરાને એકસાથે લાવવાનો અને યુકેમાં તેમણે આપેલા અભૂતપૂર્વ યોગદાનને બીરદાવવાનો રહ્યો છે.

અત્યાર સુધી બંગાળી ડાયસ્પોરાની ઓળખ માત્ર કરી અને રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી પૂરતી જ રહી હતી. પરંતુ, તેઓ હવે યુકેમાં અન્ય ઉદ્યોગોમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને આટલી બધી કેટેગરીઝમાં તેમનું સન્માન કરવામાં આવતું હોય તેવો અન્ય કોઈ મંચ નથી.’

સામાજિક કાર્યના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, મહિલાઓ અને શરણાર્થીઓને સંબંધિત કોમ્યુનિટી સર્વિસ કરવા બદલ દેવ આદિત્યનું સન્માન કરાયું હતું જ્યારે, દિલીપ ઘોષને ‘પોલિટિશિયન ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.

મેડિસીન અને હેલ્થકેરના પ્રતિષ્ઠિત ક્ષેત્રે બંગાળીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. ડો. સુવ્રો બેનરજીને યુકેમાં તેમજ ભારતમાં કોલકાતા ખાતે કાર્ડિયોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ ‘એચીવમેન્ટ ઈન હેલ્થ એન્ડ સોશિયલ કેર એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા જ્યારે, એપોલો વ્હાઈટ ડેન્ટલને ‘ડેન્ટલ ક્લિનિક ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ વિશિષ્ઠ એવોર્ડ્સ સમારોહમાં જે અગ્રણી સભ્યોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેમાં ઈશા ગૂહાને ‘સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રીમતિ શાંતિ કારને નોટ- ફોર - પ્રોફિટ સંસ્થા ‘દર્પણ’ની સ્થાપના દ્વારા તમામને બાંગ્લા GCSE ઉપલબ્ધ કરાવવાની બાબતે આપેલા નિષ્ઠાપૂર્ણ યોગદાન બદલ ‘લાઈફ ટાઈમ એઅચીવમેન્ટ ઓફ ધ યર એવોર્ડ’ અર્પણ કરાયો હતો.

જ્યારે ‘ડોક્ટીફાય’ના સહ-સ્થાપક ડો. સુમન સહા ‘સ્મોલ એન્ડ મીડીયમ સાઈઝ એન્ટરપ્રાઈઝ ઓફ ધ યર’ એવોર્ડના વિજેતા બન્યાં હતાં જ્યારે, રાજીબ ડેને તેમના તાજેતરના ‘લર્નરબ્લી’ સ્ટાર્ટ – અપ માટે ‘એન્ટ્રેપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

બંગાલી સંગીતના પ્રસારણ દ્વારા ‘રેડિયો બાંગ્લા નેટ’ ઘણા સમયથી મીડિયા અને આર્ટ્સ ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં મહત્ત્વની અસર ઉભી કરી રહ્યું છે તેનું ‘એચીવમેન્ટ્સ ઈન મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર’ના એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું.

ગુજરાત સમાચાર/એશિયન વોઈસના તંત્રી/પ્રકાશક સી બી પટેલે જણાવ્યું હતું કે, ‘ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત નોબેલ પુરસ્કાર વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા છે. વિશ્વને એકસૂત્ર કરવામાં બંગાળી ડાયસ્પોરાનું આવું ઐતિહાસિક પ્રદાન રહ્યું છે.

યુકેમાં વૈવિધ્યપૂર્ણ સિદ્ધિઓ બદલ પંજાબી અને ગુજરાતી કોમ્યુનિટીઝનું સન્માન કરવામાં આવતું રહ્યું છે ત્યારે દેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં બંગાળી સમાજના નોંધપાત્ર યોગદાનને આ એવોર્ડ્સ દ્વારા બીરદાવવામાં આવે તે આવશ્યક છે.’

આ એવોર્ડ સમારોહનું સંચાલન ભક્તિ કુબાવતે કર્યું હતું, જ્યારે આ કાર્યક્રમના ચેરિટી પાર્ટનર એન્ફિલ્ડ એશિયન વેલ્ફેર એસોસિએશન (EAWA) હતા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter