લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા શુક્રવાર ૧૧ જાન્યુઆરીની સાંજે પ્રવાસી ભારતીય દિવસ યુકે ચેપ્ટરની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય હાઈ કમિશનમાં આયોજિત મિનિ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ રણબીર સૂરી, સાંસદ વિરેન્દ્ર શર્મા, પૂર્વ મેયર નીના ગિલ, નટ પૂરી, ડો. રેમી રેન્જર CBE સહિતના વક્તાઓએ ભાગ લીધો હતો.
લોર્ડ કરણ બિલિમોરિયાએ પોતે ભારતીય હોવાનો ગર્વ હંમેશાં અનુભવે છે તેમ જણાવ્યું હતું. યુકેમાં ભારતીયોની ભૂમિકામાં આવેલા બદલાવ વિશે ડો. રેન્જરે જણાવ્યું હતું કે,‘એક સમયે યુકેમાં કરી વિશે ફરિયાદો થતી હતી અને આજે તેના વિના ચાલતું નથી.’
ઉત્તર પ્રદેશની પવિત્ર વારાણસી નગરીમાં ૨૧-૨૩ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)ની ઉજવણી કરાઈ રહી છે. દરિયાપારની ભારતીય કોમ્યુનિટી અને ભારત સરકાર વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા તેમજ તેઓને પોતાના મૂળ સાથે પુનઃ જોડાણ કરાવવા ભારતમાં દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સમારંભ દરમિયાન દરિયાપારના પસંદ કરાયેલા ભારતીયોને વિદેશ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરવા પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષના PBD કન્વેન્શનો થીમ ‘Role of Indian Diaspora in building New India’ છે. કુંભમેળા અને ભારતીય પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેવાની વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે.
યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ચરણજિત ગિલે ઈન્ડિયા હાઉસ પ્રીમાઈસિસમાં લોકોને અરજીઓમાં મદદ તથા તાકીદે ઈમર્જન્સી સર્ટિફિકેટ્સ ઈસ્યુ કરવા સહિતની નવી કોન્સ્યુલર સેવા વિશે માહિતી આપી હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં નવસજ્જિત હોલમાં લોકોને આવશ્યક કોઈ પણ કોન્સ્યુલર સેવામાં મદદ અપાય છે. ફોન લાઈન્સ દરરોજ અને રજાઓના દિવસોમાં પણ ખુલ્લી રહે છે અને અધિકારીઓ તમામ પૂછપરછનો ઉત્તર આપવા હાજર હોય છે. હવે VFS ને એપોઈન્ટમેન્ટ ફ્રી સિસ્ટમ બનાવવાનું આયોજન છે.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે ‘ભારતથી બહાર ગયેલા ડાયસ્પોરાએ અમને ગૌરવ અપાવ્યું છે. આજે ડાયસ્પોરા તરફ લોકોની દૃષ્ટિમાં બદલાવ આવ્યો છે. તેઓએ પોતાના સંતાનોમાં સારાં મૂલ્યોનું સિંચન કર્યું છે. આ વાત બ્રેઈન ડ્રેઈનની નથી પરંતુ, અનુભવ અને કૌશલ્ય દ્વારા બ્રેઈન ગેઈનની છે. અહીં તમારી હાજરી અમારા માટે આનંદની વાત છે. યુકેના અર્થતંત્રમાં ડાયસ્પોરાનું યોગદાન છ ટકા છે, જે ગૌરવની બાબત છે. તમારી સાથે કામ કરવા અમે આતુર છીએ. આપણે સાથે મળીને કામ કરી ભારતને વધુ મોટું નામ આપીશું.’