લંડનઃ બ્રિટનમાં રહેવા માટે સૌથી સારાં ગણાય તેવાં ૫૦ નગર અને ઉપનગરોની યાદી તૈયાર કરવામાં આવી છે, જે અનુસાર કેમ્બ્રિજનું ન્યુહામ યુકેમાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ન્યુહામની પ્રથમ ક્રમે પસંદગી અંશતઃ શૈક્ષણિક ક્ષેત્રે તેની પ્રસિદ્ધિને પણ આભારી છે. ‘બેસ્ટ પ્લેસીસ ટુ લિવ’ યાદીમાં અર્બન કેટેગરીમાં બર્મિંગહામનું મોસ્લી અને કન્ટ્રીસાઈડ સેક્ટરમાં ડેવોનનું ચગફર્ડ મેદાન મારી જાય છે.
સન્ડે ટાઈમ્સ દ્વારા આ યાદી તૈયાર કરવામાં તમામ સ્થળોના અપરાધ દર, ઘરની કિંમતો, સ્થાનિક જ્ઞાન અને તજજ્ઞતા સાથે શાળાના પરફોર્મન્સ સહિતના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂહામની પ્રશંસા તેના ગ્રામીણ વાતાવરણ તેમ જ સિટી સેન્ટર સાથે સરળ પહોંચ માટે કરાઈ છે. આ સાથે શ્રેષ્ઠ સરકારી અને ખાનગી શાળાઓ બ્રિટનમાં સૌથી પ્રતિભાવંત સ્થળ તરીકે અહીંની શૈક્ષણિક ઓળખણ નોંધપાત્ર છે. યુકેમાં અન્ય કોઈ સ્થળની સરખામણીએ સૌથી વધુ નોબેલ પ્રાઈઝ વિજેતાઓ કેમ્બ્રિજથી જ આવ્યા છે.
આ યાદીમાં પેરેડાઈઝ નેચર રીઝર્વ અને કો ફેન જેવાં હરિયાળાં સ્થળોને પણ વિશિષ્ટ સ્થાન અપાયું છે. ભોજનપ્રેમીઓ માટે શ્રોપશાયરનું લુડલો, દૈનિક પ્રવાસીઓ માટે કેન્ટનું સેવનઓક્સ સૌથી આકર્ષક સ્થળ છે, જ્યારે પરિવારો માટે કોર્નવોલનું વેડબ્રિજ આદર્શ સ્થળ છે. સમુદ્ર નજીકનું પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ ડેવોનનું ડાર્ટમથ છે, જ્યારે ખરીદારોને સંપૂર્ણ સંતોષ આપવા માટે નોર્થ યોર્કશાયરનું હેરોગેટ મેદાન મારી જાય છે.