યુકેમાં ૧૫ વર્ષમાં ‘અન્ય’ જૂથ સૌથી મોટું હશે

Friday 15th May 2015 08:11 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં લોકસમૂહો અને સંસ્કૃતિઓનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે આગામી ૧૫ વર્ષમાં સેન્સસ ફોર્મમાં પોતાને પરંપરાગત વંશીય જૂથોના સભ્યોના બદલે ‘અન્ય’ તરીકે ઓળખાવતાં લોકોની સંખ્યા વધતી જશે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોની આગાહી છે કે ૧૦ મિલિયન અથવા વસ્તીના આશરે ૧૬ ટકા લોકો પોતાની ઓળખ ‘વ્હાઈટ બ્રિટિશ’, ‘આઈરિશ’, ‘ભારતીય’, ‘ચાઈનીઝ’, ‘આરબ’ અથવા ‘કેરેબિયન’ તરીકે આપવાના બદલે ‘અન્ય’ તરીકે આપશે. સેન્સસ-૨૦૧૧માં ૪.૫ મિલિયન લોકોએ પોતાને ‘અન્ય’ વર્ગમાં મૂક્યાં હતાં, જ્યારે ૨૦૦૧માં આ આંકડો ૨.૧ મિલિયનનો હતો.

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં પોપ્યુલેશન સ્ટડીઝના પ્રોફેસર અને અભ્યાસના સહલેખક લુડી સિમપસને કહ્યું હતું કે વિવિધ પરિબરોના સંયોજનના કારણે આવાં વલણો સર્જાશે. ‘એથ્નિક આઈડેન્ટિટી એન્ડ ઈનઈક્વલિટીઝ ઈન બ્રિટનઃ ધ ડાયનેમિક્સ ઓફ ડાઈવર્સિટી’ પુસ્તકમાં વંશીયતા વિશે સેન્સસ ડેટા ચકાસણીનો અભ્યાસ છે. સેન્સસ-૨૦૧૧માં લોકોને વિવિધ પસંદગીમાંથી પોતાની વંશીયતા પસંદ કરવા અથવા ‘અન્ય’ બોક્સમાં ટિક કરવા કહેવાયું હતું. વિવિધ પસંદગીમાં ‘વ્હાઈટ ઈંગ્લિશ/ વેલ્શ/ સ્કોટિશ/ નોર્ધર્ન આઈરિશ/ બ્રિટિશ’,‘વ્હાઈટ આઈરિશ’, ‘વ્હાઈટ આઈરિશ ટ્રાવેલર’ તેમજ ‘વ્હાઈટ એન્ડ એશિયન’,‘વ્હાઈટ એન્ડ બ્લેક આફ્રિકન’ ઉપરાંત, ‘ભારતીય’, ‘ચાઈનીઝ’, ‘બાંગ્લાદેશી’, ‘પાકિસ્તાની’, ‘કેરેબિયન’ અને ‘આરબ’નો પણ સમાવેશ થતો હતો. જોકે, જપાનીઝ અથવા રશિયન જેવી ઓળખો સમાવાઈ ન હતી.

૨૦૧૧માં પાંચ લોકલ ઓથોરિટિઝમાં તમામ વંશીય જૂથોમાં ‘અન્ય’ જૂથ સૌથી મોટું હતું. ૨૦૩૧ના સેન્સસમાં લંડન બરોઝની ૨૦ સ્થાનિક ઓથોરિટિઝમાં ‘અન્ય’ જૂથ સૌથી મોટું હશે. જોકે, લંડનની બહાર મોટા વંશીય જૂથોનું પ્રભુત્વ યથાવત હશે. લેસ્ટરની ૩૩ ટકા વસ્તી ભારતીય અને ૧૯ ટકા ‘અન્ય’ રહેવાની ધારણા છે. બીજી તરફ, ૭૫ ટકા મુસ્લિમો પોતાને ‘બ્રિટિશ’ તરીકે ઓળખાવાનું પસંદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter