લંડનઃ એક્સેલ લંડન ખાતે તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં યુગાન્ડાએ તેના વૈવિધ્યપૂર્ણ પર્યટન સ્થળોની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં યુગાન્ડા ટુર ઓપરેટર્સ એસોસિએશનની 20 કંપનીઓ, યુગાન્ડા હોટેલ ઓનર્સ એસોસિએશનની હોટેલ્સના પ્રતિનિધિઓ, યુગાન્ડા વાઇલ્ડલાઇફ એજ્યુકેશન સેન્ટર, પ્રાઇવેટ સેક્ટર ફાઉન્ડેશન, યુગાન્ડા મિશન - લંડન વગેરેનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે રિપબ્લિક ઓફ યુગાન્ડાના યુકે અને આયર્લેન્ડ ખાતેના હાઇ કમિશનર નિમિષા માધવાણી યુગાન્ડાની માર્કીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનમાં ભાગ લેનારાઓને બિરદાવ્યા હતા. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ‘સંભવિત પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્ટ્સને રસ પડે તેવું યુગાન્ડામાં ઘણું બધું છે. પ્રવાસ-પર્યટનના મામલે ડબ્લ્યુટીએમ - લંડન વિશ્વસ્તરે મોખરાનું સ્થાન ધરાવે છે. યુગાન્ડા સૌથી સુરક્ષિત પર્યટન સ્થળ છે. પ્રેસિડેન્ટ મુસેવિની છેલ્લા 36 વર્ષથી ભારપૂર્વક કહી રહ્યા છે કે યુગાન્ડા મૂડીરોકાણ માટે સૌથી સુરક્ષિત અને પ્રવાસન માટે સૌથી સાનુકૂળ સ્થળ છે. યુગાન્ડાએ સ્પોર્ટ્સ ટુરિઝમ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.’
નિમિષા માધવાણીએ કહ્યું હતું કે ‘50 વર્ષ કરતાં પણ લાંબા અરસા બાદ પહેલી વખત યુગાન્ડા અને ભારત નોન-સ્ટોપ હવાઇસેવાથી જોડાયા છે. યુગાન્ડા એરલાઇન્સે ભારતના મુંબઇ અને યુગાન્ડાના એન્ટેબેને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી છે. આ ફ્લાઇટ દર સપ્તાહે ત્રણ વખત ઓપરેટ થાય છે. આ ઉપરાંત એન્ટેબેથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાની પણ અમને આશા છે.’
પ્રાઇવેટ સેક્ટર ફાઉન્ડેશન યુગાન્ડાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વાઇસ ચેર સારાહ કાગીન્ગોએ કહ્યું હતું, ‘આફ્રિકાના મોતી યુગાન્ડાને ઓળખો, આ એક એવો દેશ છે જ્યાં આપણે સહુ સલામતીનો અનુભવ કરીએ છીએ. એક વખત સર વિન્સ્ટન ચર્ચિલે અમારા દેશને પરીકથા જેવો ગણાવ્યો હતો.
એસોસિએશન ઓફ યુગાન્ડા ટુર ઓપરેટર્સના ડોના ટીન્ડેબ્વાએ કહ્યું હતું કે યુગાન્ડા સુરક્ષિત અને મિત્રતાપૂર્ણ છે, અહીં આવો અને કુદરતના સૌંદર્યનો નજારો માણો.’