લંડનઃ બ્રિટિશરો આળસુ હોવાની માન્યતાને આંકડાઓએ સમર્થન આપ્યું છે. યુરોપના આળસી દેશોમાં બ્રિટન નવમા ક્રમે છે. ૧૩ ટકા બ્રિટિશરો દિવસમાં આઠ કલાકથી વધુ સમય નવરા બેસી રહેવામાં જ વીતાવે છે, જે નેધરલેન્ડ્સ અને ઈટાલીની સરખામણીએ અનુક્રમે ત્રણ ગણો અને બમણો દર છે. અડધોઅડધ બ્રિટિશરો કસરત કરતા નથી, જેના પરિણામે આરોગ્યની સમસ્યાઓ વ્યાપક બનતી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના અભ્યાસ અનુસાર સરેરાશ બ્રિટિશર સપ્તાહમાં માત્ર અઢી કલાક ચાલવામાં ગાળે છે. સરેરાશ પુરુ। સપ્તાહમાં બે કલાક સ્પોર્ટ્સ અથવા કસરત પાછળ ગાળે છે, જે સ્ત્રીઓની સરેરાશ કરતા બમણો છે. સ્ત્રીઓ મહેનતી ઘરકામ પાછળ સપ્તાહમાં સરેરાશ બે કલાક ખર્ચે છે. પુરુષો આવું કામ એક કલાકથી ઓછો સમય કરે છે. જોકે, ગાર્ડનિંગ અને ડુ ઈટ યોરસેલ્ફ જેવા કામ પાછળ પુરુષો સપ્તાહમાં એક કલાક વીતાવે છે, જે સ્ત્રીઓ કરતા ત્રણ ગણો છે.