લંડનઃ ભારતીય કેરીએ ફરી એકવાર યુરોપના બજારમાં પ્રવેશ કર્યો છે. યુરોપિયન યુનિયને ભારતીય કેરીની નિકાસ પરનો એક વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધા પછી ચાલુ અઠવાડિયે બ્રિટને ભારતીય આફૂસ કેરીની પ્રથમ બેચને મંજૂરી આપી દીધી છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ એજન્સી (APEDA)એ નિકાસકારોને વેપર હીટ ટ્રીટમેન્ટ (વીએચપી)નો વિકલ્પ આપ્યા બાદ મુંબઈના બે નિકાસકારોએ કેરીની નિકાસ કરી હતી. આ નિકાસકારો ફળ પર માખીના ઉપદ્રવને દૂર કરવા રત્નાગીરી કેરી ગરમ પાણીની પ્રક્રિયામાં ટકી શકશે કે કેમ તે અંગે શંકાસ્પદ હતા.
ગયા વર્ષે ઇયુએ ભારતીય કેરી અને ચાર શાકભાજી પર બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, ભારતીય સુવિધાઓની ચકાસણી કર્યા પછી ઇયુએ વર્ષની અંદર પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ભારતીય ફાઇટોસેનિટરી ઓથોરિટીઝે નિકાસકારો માટે કેરીને એક કલાક સુધી ૪૮ ડિગ્રી સે. પર ગરમ પાણીમાંથી પસાર કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જોકે, નિકાસકારોએ તેનાથી ફળને નુકસાન થશે, તેવો દાવો કર્યો હતો. એપીઇડીએએ જણાવ્યું હતું કે, ‘નિકાસકારો રત્નાગીરી આલ્ફાન્સો કેરીને ગરમ પાણીની પ્રક્રિયામાંથી પસાર કરવાની તરફેણમાં નહોતા. એટલે અમે વીએચપીની મંજૂરી માટે ફાઇટોસેનિટરી ઓથોરિટીઝને વિનંતી કરી હતી, જેનાથી ફળ પર બેસતી માખીના ઉપદ્રવને દૂર કરવામાં મદદ મળે છે.’ વીએચપીમાં કેરીને ૨૦ મિનિટ સુધી વરાળમાં રાખવી પડે છે. આ સિસ્ટમ જાપાનમાં કેરીની નિકાસ માટે અનુસરવામાં આવે છે.