લંડનઃ બ્રિટનમાં શરીઆ અનુસારના અને ખાસ કરીને બહુપત્નીત્વ લગ્નોની સંખ્યા વધી રહી છે. યુવાન મુસ્લિમો કાનૂની બંધનકર્તા લગ્નોથી દૂર જઈ રહ્યા છે. બ્રિટિશ કાયદા હેઠળ શરીઆ લગ્નો કાયદેસર નથી ત્યારે આશરે ૧૦૦,૦૦૦ દંપતી આવા લગ્નબંધનમાં જોડાયેલાં છે, જેની નોંધણી રજિસ્ટ્રાર ઓફિસમાં કરાવાતી નથી.
શરીઆ હેઠળના લગ્નો સંબંધોએ ચિંતા વ્યક્ત કરતા મિનિસ્ટરોએ જણાવ્યું હતું કે આવા લગ્નસંબંધોનો અંત આવે ત્યારે સ્ત્રીઓ સંપત્તિમાં યોગ્ય હિસ્સાના અધિકાર ગુમાવી શકે છે. કેટલાક કિસ્સામાં પત્નીને હિંસક અને શોષણખોર પતિઓ પાસે જવાની ફરજ પડે છે. અગ્રણી ઈસ્લામિક ફેમિલી લોયરે ચેતવણી આપી છે કે બ્રિટનની ૨.૭ મિલિયનની મુસ્લિમ વસ્તીમાં ‘ગુપ્ત બહુપત્નીત્વ’માં વૃદ્ધિ માટે પણ શરીઆ લગ્નોમાં વધારો જવાબદાર છે. લોકો ગુપ્ત રીતે નિકાહ કરે છે અને લોકોની નજરમાં આવા નિકાહ આવતા નથી.