લંડનઃ ભગવાન સ્વામીનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જન્મજયંતીની તા. ૨ જૂન ૨૦૧૬ (હિંદુ પંચાંગ મુજબ વાસ્તવિક જન્મતિથિ) અને ફરીથી ૪ જૂન ૨૦૧૬ના રોજ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. યોગીજી મહારાજનો જન્મ ગુજરાતના ધારી ગામમાં ૨૩ મે ૧૮૯૨ના રોજ થયો હતો. તેમના પવિત્ર અને ભક્તિપૂર્ણ જીવન અને દિવ્ય વ્યક્તિત્વે યુવાનો અને વયોવૃદ્ધ સહિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
બીજી જૂને મંદિરમાં સાંધ્યસભામાં યુવાનોએ યોગી મહારાજના સાધુત્વની ગાથા વર્ણવતા ભક્તિગીતો રજૂ કર્યા હતા. સાધુ-સંતોના પ્રવચનોમાં યોગીજી મહારાજના જીવન અને કાર્યોની વિસ્તૃત ઝલક જોવા મળી હતી. ઘણી મુશ્કેલીઓ અને પડકારો છતાં યોગીજી મહારાજે અડગ બનીને હકારાત્મક વલણ જાળવી રાખ્યું હતું તેના ઉદાહરણો મંગલતીર્થ સ્વામીએ વર્ણવ્યા હતા. ભક્તિવલ્લભ સ્વામીએ ‘યોગી ગીતા’ની પ્રાર્થના અને ઉપદેશો આધ્યાત્મિક યાત્રામાં શક્તિ અને પ્રેરણા પૂરા પાડી શકે તેની સમજ આપી હતી.
યોગીજી મહારાજના જન્મદિનની ઉજવણી શનિવારે ૪ જૂન ૨૦૧૬ના રોજ પણ કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી)ની ઉપસ્થિતિમાં થઈ હતી. કોઠારી સ્વામીએ યોગીજી મહારાજની અથાગ સેવા અને સમર્પણની વાત કરી જણાવ્યું હતું કે તેનાથી આફ્રિકા અને યુરોપમાં સત્સંગ પ્રવૃત્તિ વધી છે અને લોકોને રોજિંદી પ્રવૃત્તિમાં યોગીજીની જીવનપદ્ધતિને આત્મસાત કરવા પ્રોત્સાહન મળ્યું છે. ત્યાગરત્ન સ્વામી અને મનોહરમૂર્તિ સ્વામીએ યોગીજી મહારાજના આદર્શોને જીવનમાં ઉતારનારા ભક્તોના ઉદાહરણ આપ્યા હતા.