લંડનઃ કુમળી કિશોરીઓને લલચાવી જાતીય શોષણ, ગોંધી રાખવા, બળાત્કાર અને તીવ્ર માનસિક નુકસાન સહિતના ગુનાઓમાં રોધરહામ ગેંગના આઠ બ્રિટિશ-પાકિસ્તાની આરોપીઓને આઠથી ૧૯ વર્ષ સુધી જેલની સજા ફરમાવાઈ છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં ઓક્ટોબરમાં ટ્રાયલ પૂર્ણ થયા પછી આરોપીઓને ૧૯૯૯થી ૨૦૦૩ સુધીના ગાળામાં આઠ ગુના માટે દોષિત ઠરાવાયા હતા. જજ સારાહ રાઈટે જણાવ્યું હતું કે આરોપીઓએ ત્રણ પીડિતાઓને ગંભીર માનસિક નુકસાન પહોંચાડ્યું છે.
શેફિલ્ડ ક્રાઉન કોર્ટે આ ગેંગના સૂત્રધાર સગીર હુસૈનને ૧૯ વર્ષ, તેના ભાઈ બશારત હુસૈનને સાત વર્ષ, હુસૈન બંધુઓના કઝિન અને ડ્રાઈવર મોહમ્મદ વહીદને પાંચ વર્ષ, અન્ય કઝિન આસિફ અલીને ૧૨ વર્ષ, ઈસ્તિઆક ખાલિકને ૧૭ વર્ષ, વાલીદ અલીને ૧૩ વર્ષ, મસૂદ મલિકને ૧૫ વર્ષ, નઈમ રફિકને આઠ વર્ષની સજા ફરમાવી હતી. બશારત હુસૈનને અગાઉ અન્ય જાતીય ગુનાઓ બદલ ૨૫ વર્ષની સજા થયેલી છે. આ નવી સજા તેની સાથોસાથ કાપવાની રહેશે. સગીર અને બશારત હુસૈનના બે ભાઈઓને પણ ફેબ્રુઆરીમાં ૧૯ અને ૩૫ વર્ષની જેલની સજા કરાઈ હતી. આ કેસમાં બશારત સહિત ૧૨ પુરુષ અને બે મહિલા સંકળાયેલી હતી.
મુખ્ય ફરિયાદી અને અત્યારે ૨૭ વર્ષની પીડિતા બાળ યૌનશોષણ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે આ પુરુષ ગુનેગારોને સજા પછી તેને શાંતિ થઈ છે. આમ છતાં, ૧૩ વર્ષ અગાઉ મને ન્યચાય મળી શક્યો હોત અને તેનાથી મારાં દિલની પીડા ઓછી થઈ હોત. ‘એમા જેક્સન’ ઉપનામ ધરાવતી પીડિતાએ કહ્યું હતું કે જો તેમની સેક્સ્યુઅલ માગણીને તાબે ન થાય તો આરોપીઓએ તેની માતા પર સામૂહિક બળાત્કારની ધમકી આપી હતી. તેની સામે જાતીય ગુનાઓ રોધરહામ ટાઉન સેન્ટર, પાર્ક, મ્યુઝિયમ નજીકની ઝાડીઓમાં આચરવામાં આવ્યાં ત્યારે તેની વય માત્ર ૧૩ વર્ષની હતી. પીડિતાનો પરિવાર એટલો ગભરાયો હતો કે તેઓ પોલીસ, સોશિયલ સર્વિસીસ, તેમના સાંસદ અને તત્કાલીન હોમ સેક્રેટરી ડેવિડ બ્લન્કટ સમક્ષ ફરિયાદ કર્યા પછી સ્પેન ચાલ્યા ગયા હતા.
આરોપીઓને સજા જાહેર કરાયા પછી નેશનલ ક્રાઈમ એજન્સીએ જણાવ્યું હતું કે તેઓ અલગથી રોધરહામમાં ૧૯૯૭થી ૨૦૦૩ના ગાળામાં બાળ યૌનશોષણ સંબંધે ૧૧,૦૦૦થી વધુ તપાસ ચલાવી રહ્યા છે. ૩૮ લોકોને શકમંદ ગણાવાયા છે, જ્યારે અન્ય લોકોની તપાસ ચાલે છે. સાઉથ યોર્કશાયર પોલીસની વિનંતીથી સ્વતંત્ર તપાસ ચલાવતી એજન્સીના સ્ટાફે ૧૩૩ કથિત પીડિતો સાથે વાતચીત હાથ ધરી છે અને ૧૬૩ ગુના નોંધ્યા છે. સ્ટોવવૂડ ઓપરેશન હેઠળ નવ વ્યક્તિની ધરપકડ કરાઈ છે, જેમને નવેમ્બર અને ડિસેમ્બર સુધી જામીન અપાયેલાં છે. ઓગસ્ટ ૨૦૧૪ના જય રિપોર્ટ અનુસાર ૧૯૯૭થી ૧૬ વર્ષના ગાળામાં રોધરહામના ૧,૪૦૦થી વધુ બાળકોનું જાતીય શોષણ કરાયું હતું.