લંડનઃ નેશનલ બ્લડ સપ્તાહ ૮-૧૫ જૂન દરમિયાન ઉજવાશે ત્યારે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ વધુ રક્તદાન કરે તેનો અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ૨૦૦૪/૦૫ દાયકાની સરખામણીએ ઈંગ્લેન્ડ અને નોર્થ વેલ્સમાં નવા રક્તદાતાઓની સંખ્યા ૪૦ ટકા જેટલી ઘટી છે. BAME કોમ્યુનિટીઓની વસ્તી ૧૪ ટકા જેટલી હોવાં છતાં ગત ૧૨ મહિનામાં છતાં પાંચ ટકાથી ઓછાં લોકોએ રક્તદાન કર્યું છે.
કેન્સર, રક્તવિકૃતિઓ, મેડિકલ ટ્રોમા અને સર્જરીના પેશન્ટ્સને બચાવવા રક્ત હોવું જરુરી છે, જે રક્તદાન દ્વારા જ શક્ય બની શકે. આ ઉપરાંત, બ્લેક અને સાઉથ એસિયન કોમ્યુનિટીઝમાં સિકલ સેલ રોગ અને થેલેસેમિયાનું ઊંચુ પ્રમાણ છે. આ લોકોને પણ નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન જરુરી છે ત્યારે સમાન વંશીય પશ્ચાદભૂના રક્તદાતાઓ પાસેથી મળેલું લોહી વધુ લાભકારી રહે છે. NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટને ગયા વર્ષની સરખામણીએ બ્લેક આફ્રિકન, બ્લેક કેરેબિયન્સ, ભારતીય, બાંગલાદેશી, પાકિસ્તાની અને મિશ્ર જાતિના લોકો દ્વારા ૬,૫૦૦થી વધુ રક્તદાનની જરુર છે.