નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને મજબૂત બનાવે છે. જોકે, તેમણે પાયાવિહોણા આક્ષેપો વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને અર્થસભર ટીકાટીપ્પણોથી તેને અલગ તારવી હતી. તેમણે ટીપ્પણી કરી હતી કે, ‘આક્ષેપોથી કોઈને લાભ થતો નથી, તેનાથી માત્ર અનાવશ્યક સંઘર્ષો જ સર્જાય છે.’
મોદીએ સમજાવ્યું હતું કે, વિચારપૂર્ણ આલોચના નીતિઓને સુધારવામાં મદદ કરે છે અને સ્પષ્ટ પોલિસી વિઝન પુરું પાડે છે. તેઓ તો ધ્યાનાકર્ષક હેડલાઈન્સ અથવા શબ્દોની રમતોથી અંજાતા નથી છતાં, ઈરાદાપૂર્વક ગેરમાહિતીના પ્રસાર સામે તેમણે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જો કોઈ ખાસ એજન્ડાને પાર પાડવા હકીકતોને તોડેમરોડે છે તો તે ગંભીર મુદ્દો બની જાય છે જેનાથી લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે.’
તેમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની તત્કાલીન કાર્યાલય તેવા કર્મયોગ હાઉસ ખાતે રિસેપ્શન હોલ ‘શક્તિ હોલ’નું ઉદ્ઘાટન કરવા 20 ઓગસ્ટ 2003ના દિવસે લંડનની લીધેલી મુલાકાતને યાદ કરી હતી અને તે ઈવેન્ટમાં તેમણે ઉપયોગમાં લીધેલી ઉપમા કે સાદશ્યતા વિશે જણાવ્યું હતું.
તેમણે જર્નાલિસ્ટ્સ સાથે વાત કરતા એક પ્રશ્ન કર્યો હતો કે, ‘જર્નાલિઝમ માખી જેવું હોવું જોઇએ કે મધમાખી જેવું હોવું જોઈએ?’ તેમણે સમજાવ્યું હતું કે માખી ગંદકી પર બેસે છે અને બીમારી ફેલાવે છે જ્યારે મધમાખી અમૃત એકત્ર કરે છે અને તેની મીઠાશને વહેંચે છે. આમ છતાં, જો ખરેખર કશું ખોટું થતું હોય તો મધમાખી એટલા જોરથી ડંખ મારે છે કે વ્યક્તિએ ‘થોડા દિવસો સુધી પોતાનો ચહેરો સંતાડવો પડે છે.’ વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની આ ઉપમાનું પાછળથી ખોટું અર્થઘટન કરાયું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કેટલાક લોકોએ મારા નિવેદનમાંથી તેમની પસંદગી અનુસારનો અડધો હિસ્સો ઉઠાવી લીધો અને વિવાદ છેડ્યો હતો. શું હું કોઈના માટે પણ નકારાત્મક હતો? જરા પણ નહિ. હું તો સીધી રીતે પત્રકારત્વની તાકાતને હાઈલાઈટ કરી રહ્યો હતો કે મધમાખીની જેમ તેનો ડંખ લાંબા સમય સુધી અસર છોડી જાય છે. પરંતુ, દુઃખ એ વાતનું છે કે કેટલાક લોકો માખી જેવું વલણ કે માનસિકતા અપનાવે છે.’