લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આમાં, નવા રહેવા આવેલાં અને પ્રથમ વખત મતદાન કરી રહેલાંને સૌથી વધુ અસર થશે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ગયા વર્ષે રજિસ્ટ્રેશન થયેલી સંખ્યામાં ૯૨૦,૦૦૦નો ઘટાડો થયો હતો. ઈંગ્લેન્ડમાં મતદાર યાદીમાં બે ટકા અથવા ૭૬૬,૦૦૦નો અને વેલ્સમાં ૩.૧ ટકાનો ઘટાડો થયો હતો. મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં અભૂતપૂર્વ ઘટાડા માટે ગત ઉનાળામાં દાખલ કરાયેલી £૨૦૦ મિલિયન કિંમતની ‘ઈન્ડિવિડ્યુઅલ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન’ સિસ્ટમને જવાબદાર ગણાવાઈ છે. તેની નિષ્ફળતાની સૌથી વધુ અસર તાજેતરમાં ઘેર રહેવા આવેલા લોકો, પોતાના પેરન્ટ્સના ઘરમાં રજિસ્ટ્રેશન નહિ કરાયેલાં વિદ્યાર્થીઓ તેમજ પ્રથમ વખત મતાધિકાર મેળવનારા તરુણોને થઈ છે.આમ મતાધિકાર ગુમાવનારા લોકોને નોંધણી માટે પ્રોત્સાહિત કરવા ઈલેક્શન કમિશન દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધરાય છે. માર્ચ ૧૬ પછી, દસ લાખથી વધુ લોકોએ મતદાર યાદીમાં નામ નોંધાવવા પ્રયાસ કર્યા હતા. મતાધિકાર ગુમાવેલા લોકો ૨૦ એપ્રિલની મધરાત સુધી જ ઓનલાઈન નોંધણી કરાવી શકશે, અન્યથા સાતમી મેએ મતદાન કરી શકશે નહિ. જોકે, કેબિનેટ ઓફિસે જણાવ્યું છે કે ગયા વખતે નોંધાયેલા કોઈ તેમનો મતાધિકાર નહિ ગુમાવે. જેમણે સરનામું બદલ્યું હશે તે લોકોને જ નોંધણીપત્રકમાંથી દૂર કરાશે.