લંડનઃ ડિઝની’સ ફ્રોઝન કાર્યક્રમની ૧૦ વર્ષીય ચાહક એસ્થર ઓકાડે ઢીંગલીઓ સાથે રમતાં રમતાં હવે ઓપન યુનિવર્સિટીમાં મેથ્સની ડીગ્રી માટે અભ્યાસ કરવાની છે. બ્રિટનમાં સૌથી નાની વયની અન્ડરગ્રેજ્યુએટ્સમાં એક એસ્થરે મહિના અગાઉ જ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે અને તાજેતરની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક સાથે વર્ગમાં ઉચ્ચ સ્થાન જાળવ્યું છે. એસ્થરનો છ વર્ષનો ભાઈ ઈસાહ પણ ગણિતમાં રુચિ ધરાવે છે.
વેસ્ટ મિડલેન્ડ્સના વોલ્સાલની રહેવાસી એસ્થર સાત વર્ષની ઉંમરથી જ યુનિવર્સિટીમાં પ્રવેશની ઈચ્છા ધરાવતી હતી. જોકે, વય નાની હોવાથી તેને વારવી પડી હતી છતાં, તે વારંવાર ક્યારે યુનિવર્સિટી જઈશની રટ લગાવતી હતી. તેની માતા એફીના કહેવા મુજબ વયના કારણે યુનિવર્સિટીમાં અરજીની પ્રક્રિયા રસપ્રદ બની રહી હતી. ઓગસ્ટમાં અરજી અને વાઈસ ચાન્સેલર સાથે વાત કર્યા પછી એસ્થરનો ઈન્ટરવ્યુ તેમ જ નિબંધ અને મેથ્સની પરીક્ષા પણ લેવાઈ હતી. ડિસેમ્બરમાં તેને પ્રવેશની મંજૂરીના સમાચાર મળ્યા હતા.
મેધાવી અને પ્રકૃતિદત્ત શક્તિ ધરાવતી એસ્થરના સ્વપ્ના પણ મોટાં છે. એક દિવસ પોતાની જ બેન્કનું સંચાલન અને મિલિયોનેર થવાનો અભરખો ધરાવતી એસ્થર ફાઈનાન્સ વિશે ઘણી વાતો કરે છે. તેનો ભાઈ ઈસાહ ગર્ભમાં હતો ત્યારે પણ એસ્થર તેને ગણિતજ્ઞાન આપતી રહેતી હતી, તેમ માતા એફી કહે છે. આજે ઈસાહ કેલક્યુલસ અને એડવાન્સ્ડ એલજિબ્રાનો અભ્યાસ કરે છે.