લંડનઃ ચાન્સેલર ઓસ્બોર્નનું બજેટ વંશીય લઘુમતી સમુદાયોને મોટા પાયે અસર કરનારું નીવડશે. નાના પાયાના બિઝનેસીસમાં ખાસ કરીને શોપકીપર્સ અથવા એશિયન રીટેઈલર્સને ટુંક સમયમાં અમલી થનારા નવા ટ્રેડિંગ કાયદાઓની અવળી અસર નડશે. ૩૦૦૦ ચોરસ ફીટથી ઓછાં ક્ષેત્રફળ ધરાવતી દુકાનો પણ રવિવારે છ કલાકથી વધુ ખુલ્લી રાખી શકાય તેવી જાહેરાત ઘણાં નાના રીટેઈલર્સ માટે મુશ્કેલી ઉભી કરશે. અત્યાર સુધી તેમને કાયદાથી રક્ષણ મળતું હતું. જોકે, દુકાનો ખુલ્લી રાખવાના સમયનો આખરી નિર્ણય મેયર્સ અને સ્થાનિક કાઉન્સિલરો હસ્તક રહેનાર છે.
સાઉથ લંડનમાં સ્થાનિક દુકાનદાર પ્રણવ પટેલે ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે, ‘રવિવારે વેપારના સમયમાં બદલાવના સમાચાર વાંચ્યા છે. મારી કેટલીક દુકાનો મોટા સુપર માર્કેટ્સની નજીકમાં છે. અત્યાર સુધી ટ્રેડિંગ કાયદાઓથી અમને લાભ મળ્યો છે, પરંતુ હવે અમને ચોક્કસ અસર થશે. સરકારે અમારા જેવા નાના દુકાનદારોને મદદ કરવાનો વિકલ્પ વિચારવો જોઈએ. અમે પણ ઈકોનોમીમાં ફાળો આપીએ છીએ છતાં અમારી જરુરિયાતો પર ધ્યાન અપાતું નથી.’
જોકે, હોક્સટન (ઈસ્ટ લંડન)માં સેઈન્સબરી લોકલ નજીકના દુકાનદાર રાજ કહે છે કે, ‘૨૫ વર્ષ પહેલા તમામ સુપર માર્કેટ્સ વીકએન્ડ્સમાં બંધ રહેતાં હતાં. ગ્રાહકોની સતત ફરિયાદો પછી તેઓ છ કલાક માટે ખુલ્લાં રખાય છે. કાયદામાં બદલાવથી સુપર માર્કેટ્સ વધુ સમય ખુલ્લાં રખાશે, પરંતુ મને તેની કોઈ અસર નહિ થાય.’
વર્ષ ૨૦૦૭માં જાહેર કરાયેલા આંકડા અનુસાર એશિયન માલિકીના ૩૯ ટકા બિઝનેસીસ (સામાન્ય બિઝનેસીસના ૨૩ ટકાની સરખામણીએ) હોલસેલ અને રીટેઈલ સેક્ટરમાં છે. એશિયન માલિકીની પેઢીઓ બિઝનેસ સર્વિસીસ સેક્ટરમાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે જે, તમામ બિઝનેસીસમાં ૪૦ ટકાના પ્રમાણ સામે ઓછું છે. રવિવારે ચર્ચમાં હાજરી ઘટવાના ભયથી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પણ આ બદલાવનો વિરોધ કરી રહ્યું છે ત્યારે બ્રિટનના સૌથી મોટા રીટેઈલર્સ ટ્રેડિંગ સમય લંબાવતા કાયદા વિશે વિભાજીત છે.