લંડનઃ ગત બુધવારની રાત્રે સેન્ટ્રલ લંડનના રસેલ સ્ક્વેર ખાતે આડેધડ ચાકુ હુમલામાં ૬૪ વર્ષીય યુએસ ટુરિસ્ટ ડાર્લેન હોર્ટનની હત્યા તેમજ અન્ય બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચની હત્યાના પ્રયાસ સંબંધે ૧૯ વર્ષના ઝકરિઆ બુલ્હાન સામે આરોપ લગાવાયા છે. તેને શનિવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં તેની ટુંકી હાજરી પછી મંગળવારે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ વિડિયો લિન્કથી કરવામાં આવ્યો હતો. તેની ટ્રાયલ ફેબ્રુઆરીમાં નિર્ધારિત કરવામાં આવી હતી.
રસેલ સ્ક્વેર ખાતેના ચાકુ હુમલામાં લીલી સેલેટિન (ઓસ્ટ્રેલિયા), યોવેલ લેવ્રોન્સ્કી (ઈઝરાયલ), માર્ટિન હોનિશ (યુએસ), ડેવિડ ઈમ્બર (ઓસ્ટ્રેલિયા) અને બર્નાર્ડ હેપલવ્હાઈટ (યુકે)ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત એક પુરુષને પેટમાં ચાકુના ગંભીર ઘા વાગતા તેને હોસ્પિટલમાં રખાયો હતો, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તને ગુરુવારે રજા આપી દેવાઈ હતી.
સોમાલી મૂળનો નોર્વેજિયન નાગરિક બુલ્હાન ૨૦૦૨માં યુકે આવ્યો હતો અને સાઉથ લંડનના વોન્ડ્ઝવર્થમાં માતા, ભાઈ અને બહેન સાથે રહે છે. ગત બુધવારે રાત્રે ૧૦.૩૦ના સુમારે આવેશમાં આવેલા ઝકરિઆ બુલ્હાને આડેધડ ચાકુહુમલાથી લોકોમાં ગભરાટ પેદા કરી દીધો હતો. આ હુમલામાં અમેરિકી ટુરિસ્ટ ડાર્લેન હોર્ટનનું લોહીનાં ખાબોચિયામાં મોત નીપજ્યું હતું. મૃતક મહિલા બીજા જ દિવસે યુકેથી પરત જવાની હતી. લોકોએ ચીસાચીસ અને ભાગદોડ કરી મૂકી હતી. સ્કોટલેન્ડ યાર્ડના જણાવ્યા મુજબ ચાકુધારી માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાય છે અને હુમલો ત્રાસવાદ સાથે સંકળાયેલો નથી.