લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અપાયેલા ભંડોળથી ચાલતા ‘રહોડ્સ મસ્ટ ફોલ’ અભિયાને સ્ટુડન્ટ્સ યુનિયનના ફંડને તળિયે લાવી દીધું છે. ઓરિયેલ કોલેજની બહાર સેસિલ રહોડ્સની પ્રતિમા દૂર કરવા ઈચ્છતા કેમ્પેઈન ગ્રૂપને સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા ભંડોળ અપાતું હોવાનું ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (OUSU)ની વેબસાઈટ પર જારી કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે. યુનિયનને પણ મોટા પાયે યુનિવર્સિટી દ્વારા ભંડોળ મળે છે.
આ પ્રતિમાની કડીઓ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયેલી હોવાનું જણાવી કેમ્પેઈનર ગ્રૂપે તેને દૂર કરવાની માગણી કરી હતી. વિદ્યાર્થીઓને સાંભળવાની કવાયતના પગલે કોલેજની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. વિદ્યાર્થીઓએ તાકીદનો ઠરાવ કરી ‘વિદ્યાર્થીઓના અભિપ્રાયોને અવગણવા અને જાહેર વચનોમાં પીછેહઠ ’ બદલ કોલેજની ટીકા કરી છે. પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી લાખો પાઉન્ડના દાન નહિ મળવાની ચિંતાના પગલે કોલેજે પ્રતિમા યથાવત જાળવી રાખવા નિર્ણય લીધો હતો. જોકે, તેના પ્રવક્તાએ નિર્ણયમાં ફાઈનાન્સ જવાબદાર ન હોવાનું કહ્યું હતું.
કેમ્પેઈન ફોર રેસિયલ અવેરનેસ એન્ડ ઈક્વલિટી (CRAE)ને OUSUદ્વારા ભંડોળ બાબતે પૂર્વ ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ અને સાંસદ જેકોબ રીસ-મોગે જણાવ્યું હતું કે કરદાતાઓએ ‘રહોડ્સ મસ્ટ ફોલ’ જેવા રાજકીય કટ્ટરવાદી અભિયાનોને ભંડોળ આપવું ન જોઈએ. ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને નાણા પરત મળવા જોઈએ. બીજી તરફ, CRAEના પ્રવક્તાએ કહ્યું હતું કે OUSU ભંડોળ કરદાતાઓના નાણાથી નહિ, વિદ્યાર્થીઓની ફી દ્વારા ચુકવાય છે.