લંડનઃ હેરોના કાઉન્સિલર અમીત જોગિઆએ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ સમક્ષ પ્રથમ પ્રવચનમાં રાઈટ ટુ બાય સ્કીમ વિશે અંગત અનુભવો અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. તેમણે ૩૫ વર્ષ અગાઉ ૧૯૮૦માં રાઈટ ટુ બાય સ્કીમ લાવનારાં પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરને ભાવભરી અંજલિ આપી હતી. તેમણે પોતાના માટે ‘થેચર્સ ગ્રાન્ડચિલ્ડ્રન’નો નવો શબ્દપ્રયોગ કરી ઘરબારવિહોણા હોવાના તેમ જ કાઉન્સિલ એસ્ટેટ પર ઉછરવાના અનુભવોના વર્ણનથી સભ્યોને બાંધી રાખ્યા હતા.
કાઉન્સિલર અમીત જોગિઆએ કહ્યું હતું કે,‘રાઈટ ટુ બાય સ્કીમ સાદા હાઉસિંગથી પણ વિશેષ છે. તે લોકોનું સશક્તિકરણ, પોતાના પગ પર ઉભા રહેવાની તેમ જ પોતાના જીવનની જવાબદારી ઉઠાવવાની તક આપવાની બાબત છે. દેશભરમાં મારા જેવાં હજારો લોકો કાઉન્સિલના મકાનોમાં રહે છે. રાઈટ ટુ બાય સ્કીમ અમારા માટે એક આશા લાવી છે જેનાથી ઘરની માલિકી ધરાવવાનું અમારું સ્વપ્ન પરિપૂર્ણ કરી શકીએ.’
કાઉન્સિલર અમીત જોગિઆના પ્રવચનથી બ્રિટિશ ભારતીય રાજકારણીઓનો આવી રહેલો નવો ફાલ સ્પષ્ટ જોવા મળે છે. કાઉન્સિલર અમીત જોગિઆ કન્ઝર્વેટિવ પાર્ટી અને આંતરિક પક્ષ પદાધિકારીઓમાં ઉભરતા સિતારા તરીકે સ્થાન ધરાવે છે. પદાધિકારીઓ તો માને છે કે ‘થેચર્સ ગ્રાન્ડચાઈલ્ડ’ તરીકે પક્ષનો વારસો આગળ લઈ જવામાં જોગિઆનું સ્થાન પણ હોઈ શકે છે.