રાજકીય પક્ષોને દાનમાં ચોથો હિસ્સો માત્ર ૨૫ વ્યક્તિ તરફથી મળે છે

Tuesday 21st April 2015 06:52 EDT
 
 

લંડનઃ વર્ષ ૨૦૧૦ પછી રાજકીય પક્ષોને દાન તરીકે અપાયેલી રકમના ૨૫ ટકાથી વધુ રકમ માત્ર ૨૫ વ્યક્તિ તરફથી અપાઈ છે, જેમાં લોટરી જેકપોટ જીતેલા દંપતીએ આપેલાં £૬.૫ મિલિયનનો પણ સમાવેશ થાય છે. ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર ૨૦૧૦ પછી વ્યક્તિગત અને કંપનીઓ દ્વારા અપાતાં દાનનો લગભગ અડધો હિસ્સો રિચ લિસ્ટમાં સ્થાન ધરાવતા ૧૯૭ લોકો પાસેથી આવ્યો છે, જે કુલ £૧૭૪.૭ મિલિયનમાંથી £૮૨.૪ મિલિયનનો હિસ્સો છે.

ઓછામાં ઓછાં £૧ મિલિયનની રકમ આપનારા દરેક ૨૫ મોટા રાજકીય દાનવીરો પાસેથી આ સમયગાળામાં ૨૮ ટકા દાન મળેલું છે. આયરશાયરના લાર્જ્સના દંપતી કોલિન અને ક્રિસ વેર આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ૨૦૧૧માં યુરોમિલિયન્સ જેકપોટમાં £૧૬૧ મિલિયન જીતનારા આ દંપતીએ યસ સ્કોટલેન્ડ સ્વાતંત્ર્ય આંદોલનને £૩.૫ મિલિયન અને SNP ને £૩ મિલિયનનું દાન આપ્યું હતું. ઈતિહાસમાં સૌથી ખર્ચાળ બની રહેનારી આ ચૂંટણીમાં ભંડોળ એકત્રીકરણ અભિયાનમાં આગળ ટોરી પાર્ટીના ખજાનચી અને સિટી ફાઈનાન્સિયર લોર્ડ ફાર્મરે ગત પાંચ વર્ષ દરમિયાન £૫ મિલિયનથી વધુ રાજકીય દાન આપેલા છે.

હલ સિટી ફૂટબોલ ક્લબના ચેરમેન અને લેબર પાર્ટીના સૌથી મોટા દાતામાંના એક અસીમ આલમે ગયા મહિને પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના યજમાનપદે ડિનરમાં હાજરી આપ્યા પછી પક્ષને £૩૦૦,૦૦૦નું દાન આપ્યું હતું. ૨૦૧૦ પછી અસીમના દાનનો કુલ આંકડો £૭૩૧,૯૦૦ થયો હતો. ગત સપ્તાહે એક્સપ્રેસ ન્યૂઝપેપર્સના માલિક રિચાર્ડ ડેસમન્ડે Ukip ને £૧ મિલિયન દાન આપવાની જાહેરાત કરી હતી. Ukip એ આ વર્ષના રિચ લિસ્ટમાં સ્થાન ધરાવનારા પાસેથી £૨.૯ મિલિયન મેળવ્યા છે, જે લેબર પાર્ટીને મળેલાં £૧.૫ મિલિયન કરતા લગભગ બમણા છે.

રિચ લિસ્ટના ૧૭ લોકોને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના ગ્રૂપ દ્વારા ૨૦૧૪ના ઉત્તરાર્ધની શરાબ અને ભોજન પાર્ટીમાં સામેલ કરાયા હતા. ૨૦૧૦ પછી ટોરી પાર્ટીને આશરે £૧.૯ મિલિયન આપનારા સર માઈકલ હિન્ટ્ઝે ગયા વર્ષે ચેકર્સ ખાતે ડેવિડ કેમરન સાથે ભોજન લીધુ હતુ. ૨૦૧૩મા રિચ લિસ્ટના લોકોને £૫૦,૦૦૦ના દાનથી ઉચ્ચ ૫૦ રાજકીય પાર્ટી દાનવીરોમાં સ્થાન મળતું હતું. આ વર્ષે લઘુતમ £૯૦,૦૦૦ની રકમ જરૂરી બની છે. આમ છતાં, ૨૦૧૦ પછી ૧૯૭ દાતામાંથી ૧૫૧ દાતા કેમરનની ટોરી પાર્ટીને દાન આપતા રહ્યા છે. £૧ મિલિયન અથવા તેથી વધુ આપનારા ૨૫ દાતામાંથી ૧૬ દાતાએ ટોરી પાર્ટીને દાન આપ્યું છે. આ જૂથના માત્ર બે દાતા- લક્ષ્મી મિત્તલ અને દિવંગત બિઝનેસમેન નાઈજેલ ડોટીએ લેબર પાર્ટીને દાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter