લંડનઃ ઈયુ રેફરન્ડમના બ્રેક્ઝિટ પરિણામના પગલે લંડનના મેયર સાદિક ખાને વાટાઘાટોની પ્રક્રિયા આરંભ થાય તે ગાળામાં સિટીના હિતો અને નોકરીઓના રક્ષણ અને વૃદ્ધિ માટે તેમના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસના હોદ્દા પર રાજેશ અગ્રવાલને નિયુક્ત કર્યા છે. મેયર સાદિક ખાન બ્રિટન અને લંડન યુરોપિયન સિંગલ માર્કેટનો હિસ્સો બની રહે તેમજ લંડનને બિઝનેસ હિતોના રક્ષણાર્થે વધુ સ્વાયતતાની હિમાયત કરે છે.
રાજેશ અગ્રવાલ ફિન્ટેક એન્ટ્રેપ્રીન્યોર અને ઈનોવેટર છે. તેઓ સફળ વૈશ્વિક બિઝનેસીસ આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર સર્વિસ Xendpay તેમજ ઓનલાઈન ફોરેન એક્સચેન્જ સર્વિસ RationalFXના સ્થાપક અને સીઈઓ છે. ભારતના ઈન્દોરમાં જન્મેલા અને ઉછરેલા રાજેશ અગ્રવાલ ૨૦૦૧માં લંડન આવ્યા હતા. એક નાની ઓફિસમાં કામ કરતા તેમણે લંડનમાં મલ્ટિ-મિલિયન પાઉન્ડનો બિઝનેસ જમાવ્યો છે, જેની શાખાઓ બર્મિંગહામ, ફ્રાન્સ અને સ્પેનમાં પણ છે. રાજેશ અગ્રવાલ તેમના બિઝનેસીસમાં સીઈઓની ભૂમિકા છોડી ડેપ્યુટી મેયર ફોર બિઝનેસીસની પૂર્ણકાલીન કામગીરી સંભાળશે.
મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘લંડન માટે અત્યાર સુધીના સૌથી બિઝનેસ-ફ્રેન્ડલી મેયર બની રહેવાનું મેં વચન આપ્યું છે. લંડને સિંગલ માર્કેટમાં રહેવું જ જોઈએ અને સ્પર્ધાત્મક બની રહેવા તેને સ્કિલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને પ્લાનિંગ બાબતે વધુ સત્તા મળવી જોઈએ. આપણે રેફરન્ડમની અસરોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે લંડનમાં વિકાસ અને નોકરીઓના રક્ષણની કામગીરી માટે રાજેશ શ્રેષ્ઠ વ્યક્તિ હોવાનું હું જાણું છું.
રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘લંડન યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય વેપારને આવકારતું રહે તે મહત્ત્વનું છે. આપણા મહાન નગરની ભાવિ સફળતામાં તમામ લંડનવાસીઓ સહભાગી બની શકે તે માટે અર્થતંત્રની વૃદ્ધિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મારી પ્રાથમિકતા બિઝનેસીસ સાથે સંપર્ક જાળવવા અને તેમની ચિંતાઓ સાંભળવા અને તેમને હૈયાધારણ આપવાની રહેશે.’