લંડનઃ બ્રિટનમાં રાજ્યાશ્રય અથવા ગેરકાયદે ઈમિગ્રન્ટ તરીકે આવનારા લોકો ઝડપથી ધનવાન બનવા આવા અન્યોની ગેરકાયદે હેરાફેરીમાં લાગી જાય છે. આ ક્રિમિનલ્સ દ્વારા લોકોનું સ્મગલિંગ કરતી ગેન્ગ્સ રચવામાં આવે છે. ઈરાકમાં સદ્દામ હુસેનને ઉથલાવી દીધા પછી યુકેમાં ઘુસી આવેલા ફાહમી હકીમને સ્મગલિંગ નેટવર્ક ચલાવવા માટે માત્ર ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. પોલીસને ફાહમીની કારમાં £૫૦,૦૦૦ અને ગેંગ પાસેથી કુલ £૯૦,૦૦૦ મળ્યા હતા. ગેંગના સાત સભ્યોને કુલ ૮૯ વર્ષની સજા કરાઈ હતી, જ્યારે મેજર બાજવા સહિત અન્ય નવ અપરાધીને સજા જાહેર કરવાની બાકી છે. બુરહાન શેખાની, સોરાન રસૂલ, બીજાર શેઈખા, કરઝાન રસૂલ, લિયાકત જબ્બરખેલને ૧૨-૧૨ વર્ષ, જ્યારે કુલદીપસિંહને ૧૦ વર્ષની સજા કરાઈ છે.
બ્રિટિશ પોલીસે હજારો પાઉન્ડ લઈ યુકેમાં લોકોને ગેરકાયદે ઘુસાડવાનો ધંધો કરતા ડઝનબંધ એસાઈલમ સીકર્સ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર આરોપો લગાવ્યા છે. ઈરાકી કુર્દ ફાહમી હકીમે અફઘાનિસ્તાન, ભારત અને યૂર્વ યુરોપના માઈગ્રન્ટ્સ સાથે મળીને મોટું નેટવર્ક બનાવ્યું હતું. વેસ્ટ લંડનના હિલિંગ્ડનમાં રહેતો ફાહમી બર્મિંગહામ, કાર્ડિફ અને એસેક્સમાં સંપર્કો ઉપરાંત, ભારતીય, રશિયન અને ડચ એજન્ટો સાથે કનેક્શન્સ ધરાવે છે, જેઓ હ્યુમન કાર્ગોની ડિલિવરી કરે છે. ફાહમી રશિયા અને ફ્રાન્સના માર્ગે થઈ છ ભારતીયોને બ્રિટનમાં ઘુસાડવાની તજવીજ કરી રહ્યો હતો ત્યારે જ નવેમ્બરમાં તેની ધરપકડ કરાઈ હતી. આ દરેક ભારતીયે પ્રવાસ શરૂ કરતા અગાઉ ભારતમાં એજન્ટને £૧૦,૦૦૦ ચુકવ્યા હતા અને યુકેમાં પ્રવેશ પછી બીજા £૧૦,૦૦૦ ચુકવવાના હતા. જોકે, યુકે આવી ગયા પછી તેમની પાસે વધુ નાણાની માગણી કરાઈ હતી. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડી લેવાતા તેમણે પોલીસ સમક્ષ ફાહમી નેટવર્કનો ભાંડો ફોડ્યો હતો. જોકે, એક જ ઈમિગ્રન્ટને દેશનિકાલ કરાયો હતો, જ્યારે બાકીના અદૃશ્ય થઈ ગયા હતા.
માઈગ્રન્ટ કટોકટીના કારણે લોકોની હેરાફેરી કરતી ગેંગ્સનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. કેલે નજીક માઈગ્રન્ટ છાવણીઓમાં પણ બ્રિટિશ સ્મગલિંગ ગેંગ્સનું કામકાજ ચાલે છે. બ્રિટિશરો દ્વારા નાણાના બદલામાં તેમની જ કારમાં માઈગ્રન્ટની હેરાફેરી ચાલી રહી છે.