પાટણઃ પટોળા માટે જગવિખ્યાત ગુજરાતના આ પૌરાણિક નગરમાંથી ૧૫ વર્ષ પૂર્વે ચોરાયેલી ૧૨મી સદીની પ્રતિમા લંડનમાંથી મળ્યાના અહેવાલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ રાણકી વાવમાંથી નવેમ્બર ૨૦૦૧માં બ્રહ્મા અને બ્રહ્માણીની પ્રતિમા ચોરાઇ હતી. બ્રિટનસ્થિત ભારતીય બ્રિટિશ હાઇકમિશનર નવતેજ સરનાએ આ પ્રતિમાને ઇંડિયા હાઉસના આર્ટ લોસ રજિસ્ટરમાંથી મેળવી છે. હવે તેને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ની મદદથી રાણકી વાવ પહોંચાડાશે. ૧૧મી સદીના આ ઐતિહાસિક અને સાંસ્કૃતિ વારસાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી શ્રેષ્ઠ વારસામાંનો એક ગણાવ્યો છે.
જૂન ૨૦૧૪માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મેળવનાર સાત માળની રાણકી વાવમાંથી ચોરાયેલી આ પ્રતિમાઓનું પગેરું એક આર્ટ ડિલરે આપેલી જાહેરાતના આધારે મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાવમાંથી નવેમ્બર-૨૦૦૧માં ૧૨મી સદીની બ્રહ્માજી અને ગણેશજીની પ્રાચીન મૂર્તિઓ ચોરાઈ હતી. આમાંની બ્રહ્માજી-બ્રહ્માણીજીની મૂર્તિ લંડનમાંથી મળી છે. તેની ઓળખ થતાં યુકેસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કબજો મેળવી લેવાયો છે. ભારત સરકારે આ પ્રતિમાને ભારત પરત લાવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રતિમા આગામી બે-ત્રણ મહિનામાં રાણકી વાવમાં આવી જશે તેમ એસઆઇના અધિકારી નમ્બી રાજને રવિવારે પાટણમાં જણાવ્યું હતું. ભારતના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રક્રિયા ચાલે છે.
એક અન્ય અહેવાલ અનુસાર, લંડનમાં યોજાયેલા એક એક્ઝિબિશન-કમ-સેલમાં બ્રહ્માજીની આ પ્રતિમા પ્રદર્શિત થઇ હતી. નિવૃત્ત આર્કિયોલોજીસ્ટ અને ભારતીય ઇતિહાસવિદ્ પ્રો. કિરીટ મંકોડીને આ પ્રતિમા જોતાં જ સમજાઇ ગયું હતું કે તે રાણકી વાવની છે. તેમણે તરત જ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને આ ઐતિહાસિક વારસા અંગે જાણકારી આપી હતી.