રાણીનિવાસ બકિંગહામ પેલેસનું £૧૫૧ મિલિયનના ખર્ચે રીપેરિંગ

Saturday 27th June 2015 05:37 EDT
 
 

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ છોડી અન્યત્ર રહેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્વીન અને પ્રિન્સ ફિલિપ તેમના રજાઓના નિવાસ વિન્ડસર પેલેસમાં રહેવા જઈ શકે છે. લંડનસ્થિત ૧૮મી સદીના ભવ્ય મહાલયમાં £૧૫૧ મિલિયનના ખર્ચે સમારકામ અને જાળવણીની કામગીરી હાથ ધરાનાર છે. છેલ્લે અહીં ૧૯૫૨માં સમારકામ કરાયું હતું. શાહી મહેલમાં નવેસરથી સજાવટ ઉપરાંત, વાયરિંગ, પ્લમ્બિંગ, એસ્બેસ્ટોસ દૂર કરવાની કામગીરી કરવાની છે. પેલેસના સમારકામ અંગે ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક લોકો પેલેસ ખાલી કરી સમારકામની તરફેણ કરે છે. બીજી તરફ, પેલેસમાં વિશ્વના શ્રેષ્ઠ કલાસંગ્રહ હોવાથી કેટલાક આ સ્થળે મ્યુઝિયમ બનાવવાની તરફેણમાં છે.

કિંગ જ્યોર્જ ત્રીજાએ ૧૭૬૧માં ડ્યુક ઓફ બકિંગહામ પાસેથી પેલેસની ખરીદી કર્યા પછી તે શાહી પરિવારનું નિવાસ બની રહ્યો છે. જોકે, ક્વીન વિક્ટોરિયાએ ૧૮૩૭માં બકિંગહામ પેલેસને સત્તાવાર નિવાસ જાહેર કર્યા પછી શાહી પરિવાર પહેલી વખત જ પેલેસથી અન્યત્ર રહેવા જશે. ક્વીન ૭૭૫ ખંડ ધરાવતાં પેલેસમાં નવ રુમના એપાર્ટમેન્ટમાં નિવાસ કરે છે. ક્વીનના સત્તાવાર નિવાસ ઉપરાંત, સરકારી મુલાકાતો, હેન્ક્વેટ્સ, ગાર્ડન પાર્ટીઓ, એવોર્ડ સમારંભો અને રિસેપ્શન્સ માટે પેલેસનો ઉપયોગ થાય છે. દર વર્ષે ઉનાળામાં પાંચ લાખથી વધુ પર્યટકો પેલેસની મુલાકાત લે છે, જેમાંથી £૬ મિલિયનથી વધુ આવક મળે છે.

સર્વેયરોએ ૩૦૦ વર્ષ જુની ઈમારતની પ્રાથમિક મોજણી પછી મોટા પાયે સમારકામ જરુરી હોવાનો અભિપ્રાય આપ્યો છે. ખર્ચની રકમ વધી પણ શકે છે. સમારકામ અને સજાવટના ખર્ચના ભંડોળ અંગે શાહી પરિવાર સરકાર સાથે ચર્ચા કરશે કારણકે ટ્રેઝરી પાસેથી ક્વીનને મળતી આવકના ધોરણે સમારકામનો ખર્ચ ચુકવતા દાયકા લાગી જશે. ગયા વર્ષે શાહી પરિવારે પેલેસના સમારકામ પાછળ £૨.૧ મિલિયનનો ખર્ચ કર્યો હતો. શાહી પરિવારના ૪૨૬ના સ્ટાફને પણ સમારકામ દરમિયાન અન્યત્ર ખસેડવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter