લંડનઃ લેન્કેશાયરના કન્ટ્રીસાઈડ રિબલ વેલીમાં ૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતા કબ્રસ્તાનના નિર્માણની દરખાસ્તે સ્થાનિક ગ્રામવાસીઓમાં રોષ જન્માવ્યો છે. આ કબ્રસ્તાન મુખ્યત્વે મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવાશે. વિશાળ ૨૭ એકરના કબ્રસ્તાનની યોજના અંગે આર્કિટેક્ટ્સ કહે છે કે તેમણે નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડમાં અન્ય તમામ વિકલ્પો શોધ્યાં હતાં. અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ફોરેસ્ટ ઓફ બોલેન્ડ નજીક આવેલા ધ લાન્ઘો નેચરલ બરિઅલ ગ્રાઉન્ડનો ઉપયોગ મુખ્યત્વે બ્લેકબર્નની મુસ્લિમ વસ્તી દ્વારા જ કરાશે. સ્થાનિક રહેવાસીઓએ યોજનાનો વિરોધ કર્યો છે અને સ્થાનિક સાંસદ નાઈજેલ ઈવાન્સ દરખાસ્તનો તીવ્ર વિરોધ કરતા કહે છે કે આટલી વિશાળ સેમેટ્રી માટે સૌંદર્યધામ ખરેખર ખોટી જગ્યા છે.
તાજેતરમાં પડતર ખેતરની જમીન ખરીદનારા મુસ્લિમ બિઝનેસમેન સાબિર એસા કહે છે કે,
‘આની ભારે જરુર છે. ડાર્વેન સાથે બ્લેકબર્નની જગ્યા હવે ભરાવા આવી છે. મારે સ્પષ્ટ કરવું છે કે આ જગ્યા માત્ર મુસ્લિમો માટે જ નથી. આ બહુ-સાંપ્રદાયિક અંતિમસંસ્કાર સ્થળ છે, જેનું સંચાલન નોન-પ્રોફિટ ચેરિટી હસ્તક છે. કોમ્યુનિટીના તમામ સભ્યો માટે તે ખુલ્લું રહેશે.’ લેન્કેશાયર કાઉન્સિલ ઓફ મોસ્ક્સના અધ્યક્ષ અબ્દુલ હમીદ કુરેશીએ જણાવ્યું હતું કે, ‘પ્લીઝિંગ્ટન ખાતે સૌથી નજીક આવેલું કબ્રસ્તાન ઝડપથી ભરાઈ રહ્યું છે અને ઘણી જ ઓછી જગ્યા બાકી રહી છે.’