લંડનઃ સાઉથ યોર્કશાયરના રોધરહામ ચાઈલ્ડ સેક્સ ગેંગના વધુ છ આરોપીને ૧૦થી ૨૦ વર્ષ સુધીની સજા સાથે કુલ ૮૦ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. બે આરોપીએ ડોકમાંથી લઈ જવાતી વખતે શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં ‘અલ્લાહુ અકબર’ના નારા પોકાર્યા હતા. ગેંગના સભ્યોએ ૧૯૯૯થી ૨૦૦૧ના સમયગાળામાં આલ્કોહોલ અને ડ્રગ્સથી છોકરીઓને લલચાવી હતી. બે છોકરીના યૌનશોષણમાં એક છોકરી માત્ર ૧૨ વર્ષની કુમળી વયે સગર્ભા બની હતી.
શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ત્રણ ભાઈઓ રોધરહામના બશારત દાડ (૨૦ વર્ષની જેલ) અને તાયાબ દાડ (૧૦ વર્ષ) તથા શેફિલ્ડના નાસર દાડ (૧૬ વર્ષ, છ મહિના) તેમજ રોધરહામના મતલૂબ હુસૈન(૧૩ વર્ષ) અને મોહમ્મદ સાદિક (૧૩ વર્ષ) અને નોટિંગહામશાયરના અમજદ અલી (૧૧ વર્ષ)ને સેક્સ અપરાધો બદલ કઠોર સજા ફરમાવી હતી. આ સજાઓ સાથે રોધરહામમાં ૧૬ વર્ષના ગાળામાં ૧,૪૦૦થી વધુ બાળકોનું યૌનશોષણ કરાયા વિશે પ્રોફેસર એલેક્સીસ જયના રિપોર્ટ પછી ત્રણ મુખ્ય ટ્રાયલનો અંત આવ્યો છે, જેમાં ૧૮ અપરાધીને કુલ ૨૮૦થી વધુ વર્ષ માટે જેલની સજા થઈ છે. ત્રણે ટ્રાયલમાં બે પરિવાર-હુસેન અને દાડના સભ્યો અને તેમના સાથીઓ સંડોવાયા હતા.રોધરહામમાં બાળ યૌનશોષણની તપાસમાં ‘ઓપરેશન થંડર’ હેઠળ આ છેલ્લી ટ્રાયલ હતી.
જજ સારાહ રાઈટે એક છોકરીને આલ્કોહોલ અને ડ્રગ્સ આપવામાં આવ્યા હગતા અને માત્ર ૧૧ વર્ષની વયે અનેક પુરુષો સાથે શારીરિક સંબંધ બંધાયો હતો તેનું હૃદયદ્રાવક વર્ણન કર્યું હતું. આ વિક્ટિમે કોર્ટ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘આ વિશ્વમાં ખરે જ શેતાનિયત અને શેતાન લોકો વસે છે. મને લાગે છે કે મારું બાળક આ શેતાનિયતની જ પેદાશ છે. મને ભય, બળાત્કાર અને ચિતરી ઉપજાવતાં શોષણમાં ઘસડી જવાઈ હતી. આ પુરુષોના હાથે મે બાળપણ ગુમાવ્યું હતું.’
આ છોકરીની સગર્ભાવસ્થા ૨૦૦૧માં અખબારી હેડલાઈન્સમાં ચમકી હતી, જેમાં તેને બ્રિટનની સૌથી યુવાન વયની માતાઓમાં એક તરીકે ગણાવાઈ હતી. જજ સારાહે યૌનશોષણનો શિકાર બનેલી મહિલાની હિંમતને વખાણી હતી. બે આરોપીએ કોર્ટમાં ‘અલ્લાહુ અકબર’ના નારા પોકાર્યા પછી અરાજકતા અને લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. આરોપીઓના સમર્થકોએ પણ બૂમબરાડા પાડવા સાથે એક વિક્ટિમે ‘જસ્ટિસ ઈઝ સર્વ્ડ’ બૂમો પાડી હતી.
શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ ભાઈઓ અર્શિદ, બન્નારસ અને બશારત હુસૈન ઉપરાંત, તેમના કાકા કુરબાન અલી તેમજ બે સ્ત્રીઓ કારેન મેકગ્રિગોર અને શેલી ડેવિસને સેક્સ અપરાધો બદલ સજા ફરમાવી હતી. નવેમ્બર મહિનામાં ચોથા હુસૈન ભાઈ સગીરને જેલની સજા કરાઈ હતી. આ સાથે આઠ સભ્યની ગેંગને કુલ ૯૬ વર્ષની સજા ફરમાવાઈ હતી. ચાર કુખ્યાત હુસૈનભાઈઓએ સાઉથ યોર્કશાયરના રોધરહામ ટાઉનમાં કિશોરીઓ સામે બળાત્કાર સહિતના અપરાધો આચર્યા હતા.