લંડનઃ રોધરહામમાં ૧૯૯૯થી ૨૦૦૩ના સમયગાળામાં ત્રણ બાળાના બળાત્કાર અને યૌનશોષણ સંબંધિત ૧૬ આરોપમાં આ જ શહેરના આઠ પુરુષ- આસિફ અલી, વાલીદ અલી, સાગીર હુસેન, નઈમ રફિક, મોહમ્મદ વાઈદ, મસૂદ મલિક, ઈશ્તિઆક ખાલિક અને બશારત હુસેનને દોષિત ઠરાવાયા છે. પાકિસ્તાની મૂળના આ આરોપીઓને ચોથી નવેમ્બરે સજા જાહેર કરવામાં આવશે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં ૧૨ સપ્ટેમ્બરે ટ્રાયલ શરૂ થઈ હતી અને જ્યુરીએ ૧૭ કલાકથી વધુ ચર્ચાવિચારણાના અંતે તેમને દોષિત જાહેર કર્યા હતા.
જ્યુરીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ૧૩ વર્ષ જેટલી નાની બાળા સહિતના વિક્ટિમ્સનું યૌનશોષણ કરી તેમને અનુચિત કાર્ય કરવાની ફરજ પાડી હતી. એક છોકરી અને તેના પરિવારે પોલીસ, તેમના સાંસદ અને તત્કાલીન હોમ સેક્રેટરી સમક્ષ ફરિયાદ કરી હતી. જોકે, આ પુરુષોથી બચવા તેઓ આખરે સ્પેન રહેવા ચાલી ગયાં હતાં.
આ ગેન્ગમાં સાગીર હુસેનને રિંગલીડર ગણાવાયો હતો, જેને ચાર બળાત્કાર અને એક અશ્લીલ હુમલા માટે દોષિત ઠરાવાયો હતો.
ચુકાદા પછી સાઉથ યોર્કશાયર પોલીસના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર માર્ટિન ટાટે જણાવ્યું હતું કે, ‘આ ચુકાદો વર્ષો સુધી શોષણ સહન કરનારી વિક્ટિમ્સ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમણે ભારે બહાદુરી દાખવી છે. યુવાન છોકરીઓના જાતીય શોષણ અંગે પોલીસ, રોધરહામ કાઉન્સિલ અને ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસની ત્રણ વર્ષની જહેમતના પગલે ટ્રાયલમાં સફળતા મળી છે. જે મહિલાઓએ અમારી તપાસમાં સહકાર આપ્યો છે તેમનો હું આભારી રહીશ.’ યોર્કશાયર એન્ડ હમ્બરસાઈડ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના પીટર માન તેમજ રોધરહામ કાઉન્સિલમાં ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ્સ સર્વિસના સ્ટ્રેટેજિક ડિરેક્ટર ઈયાન થોમસે પણ વિક્ટિમ્સની હિંમતને બિરદાવી હતી.