રોધરહામ યૌનશોષણ કૌભાંડ નવા ૩૦૦ શકમંદની ઓળખ

Saturday 27th June 2015 05:48 EDT
 
 

લંડન, બર્મિંગહામઃ રોધરહામ બાળ યૌનશોષણની નવી તપાસમાં નેશનલ ક્રાઈમ એજન્સીને વધુ ૩૦૦ શકમંદની ભાળ મળી છે. એજન્સીએ જણાવ્યું છે કે નવા શકમંદોમાં એશિયન પુરુષોની, જ્યારે બહુમતી પીડિતામાં બ્રિટિશ છોકરીઓની સંખ્યા વધુ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રોફેસર એલેક્સ જયના રિપોર્ટના પગલે એજન્સીએ યૌનશોષણ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કબૂલાત કરી છે કે ૨૦૧૦ની સામાન્ય ચૂંટણી અગાઉ રંગભેદી તંગદિલી ફેલાય તેવા ભયથી એશિયન ગ્રૂમિંગ ગેન્ગ્સ વિશેનો રિપોર્ટ જાહેર કરાયો ન હતો.

પ્રોફેસર એલેક્સ જયના રિપોર્ટમાં સાઉથ યોર્કશાયરમાં ૧૯૯૭થી ૨૦૧૩ના ગાળામાં મુખ્યત્વે એશિયન ગેન્ગ્સ દ્વારા ૧,૪૦૦થી વધુ બાળકોના ગ્રૂમિંગ, હેરફેર અને બળાત્કાર થયા હોવાનું જણાવાયું હતું. રિપોર્ટમાં ૧૬ વર્ષના ગાળામાં શોષણના આક્ષેપોની તપાસ બરાબર થઈ ન હોવાના અંગે સાઉથ યોર્કશાયર પોલીસ અને સ્થાનિક ઓથોરિટીની ભારે ટીકા થઈ હતી અને નેશનલ ક્રાઈમ એજન્સીને તપાસમાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.તપાસકારોએ જણાવ્યું છે કે નવી ૩,૩૦૦થી વધુ પૂછપરછની શક્યતા ઉભી થઈ છે અને તપાસ પૂર્ણ થતા હજુ સમય લાગશે. બે પૂર્વ અથવા વર્તમાન કાઉન્સિલર પણ તપાસ હેઠળ છે.

બર્મિંગહામમાં એશિયન પુરુષોની ગેન્ગ્સ કેવી રીતે આલ્કોહોલ અને ડ્રગ્સ મારફત શાળાની છોકરીઓને લલચાવતી હતી તેનો વિસ્તૃત રિપોર્ટ જાહેર થશે તો તંગદિલી ફેલાઈ શકે તેવી ચેતવણી પોલીસને મળી હતી. પોલીસને ચેતવણી મળી હતી કે શાળાઓના મુખ્યત્વે ૧૦૦થી વધુ શ્વેત વિદ્યાર્થીઓ, -જેમાંના કેટલાકની વય તો ૧૩ વર્ષથી પણ ઓછી હતી- બાળ યૌનશોષણના ગંભીર જોખમ હેઠળ હતા. યૌન શોષણખોરો શાળાના દરવાજે વિદ્યાર્થીઓને મળી રહ્યા હતા. પોલીસે ૭૫ શકમંદની ઓળખ કરી હતી, જેમાંના મોટા ભાગના બર્મિંગહામની પાકિસ્તાની કોમ્યુનિટીના હતા. આ લોકો જાતિય હિંસાના તેમના ઈતિહાસની બડાશો પણ મારતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter