લંડનઃ ગુરખાઓના જૂથે રોયલ બ્રિટિશ લીજિયનની વેમ્બલી શાખાને બંધ થતી બચાવી છે. આ માટે જૂથના સભ્યોએ વેમ્બલીના અસડા સ્ટોરમાં દિવસના સાત કલાક સુધી સહાયના નાણા એકત્ર કર્યા હતા. બરહામ પાર્કની સામે 78th Squadron Air Cadetsની નાની પ્રીમાઈસિસમાં ગયા વર્ષે મીટિંગો અને ફંડ ઉઘરાવવામાં માત્ર પાંચ સભ્ય આવ્યા હતા, જે ફંડ પૂરતું ન હતું. જોકે, આ નાની શાખાએ ૨૦૧૫માં ૬૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા.
મે મહિનામાં આ શાખા બંધ થવાની અણી પર હતી ત્યારે કેટલાક ગુરખાઓની સાથેની બેઠકે પરિસ્થિતિ બદલી નાખી અને લિજિયન હવે સુધારાના માર્ગે છે. RBL વેમ્બલી શાખાના ચેરવુમન જિરાલ્ડિન કૂકે કહ્યું હતું કે, ‘જે થયું તે આશ્ચર્યજનક છે. ગુરખાઓને ઈતિહાસમાં રણમેદાનો પર જે કર્યું છે તે રીતે જ તેઓ અમારા બચાવમાં દોડી આવ્યા છે. હું અમારી લિજિયન સ્ટોરીને The Branch that Refused to Die તરીકે ઓળખાવીશ.’
મિસ કૂકના પરિચિત કેટલાક ગુરખાઓ મે મહિનામાં તેમને મળવા આવ્યા હતા અને લિજિયનમાં સભ્ય બનવા અંગે પૂછપરછ કરી હતી. મિસ કૂકે કહ્યું હતું કે અમારા પાંચ જ સભ્ય છે અને ઓછામાં ઓછાં ૧૫ સભ્ય જોઈએ, નહિ તો શાખા બંધ કરવી પડવી પડશે. બીજી મીટિંગમાં તો બારણા ખોલી શકાય નહિ તેવી ભીડ જમા થઈ હતી. આ સ્વયંસેવકોએ રીમેમ્બરન્સ ડે પર વેમ્બલી અસડા સ્ટોર પર પોપી અપીલ સાથે ભંડોળ એકત્ર કર્યું હતું.