લંડનઃ બ્રિટનમાં હવે પત્રો મોકલવાનું મોંઘુ થશે કે કારણ કે રોયલ મેઈલ દ્વારા 30 માર્ચથી ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમતોમાં એક પેન્સનો વધારો કરાઈ રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ સર્વિસમાં મોટા પત્રો મોકલવાની કિંમત ૨pના વધારા સાથે ૯૫p થશે, જ્યારે સેકન્ડ ક્લાસ માટે ૧pના વધારા સાથે ૭૪p થશે. ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત ૧p વધીને ૬૩p, જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત ૫૩pથી વધીને ૫૪p થશે. ગત દસ વર્ષમાં સ્ટેમ્પ્સની કિંમતમાં બમણીથી વધુ વૃદ્ધિ થઈ છે. બે કિલોગ્રામ સુધી વજનના સેકન્ડ ક્લાસ વર્ગમાં મધ્યમ કદના પાર્સલની કિંમત હવે £૪.૮૯ થશે, જે માં £૩.૧૧ સુધીની બચત સૂચવે છે.
સ્ટેમ્પ્સની કિંમતોમાં વધારાની ટીકા પણ કરાઈ છે. આ વધારાથી પોસ્ટલ સર્વિસ પર ભારે આધાર રાખતાં નાના બિઝનેસીસને માર પડશે. ગ્રાહકોએ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં ૧.૬ ટકા અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં ૧.૯ ટકા વધારો સહન કરવાનો થશે.
૨૦૧૩માં ખાનગીકરણ કરાયેલી રોયલ મેઈલ દ્વારા જણાવાયું હતું કે સ્ટેમ્પ્સની કિંમતો વધારતાં પહેલા ગ્રાહકો પર થનારી અસરોનો કાળજીપૂર્વક અભ્યાસ કરાયો છે. તેઓ સેકન્ડ કલાસ પાર્સલ મોકલવાની કિંમતોમાં કાપ મૂકી તેની પદ્ધતિ સરળ બનાવી રહ્યાં છે. કંપનીએ ભારપૂર્વક દાવો કર્યો છે કે તેની કિંમતો યુરોપમાં શ્રેષ્ઠ મૂલ્યોમાં સ્થાન ધરાવે છે. રોયલ મેઈલે અગાઉ ચેતવણી આપી હતી કે જો ખાનગી ડિલિવરી સેવાઓ અંકુશ હેઠળ નહિ લવાય તો તેને ભાવવધારો કરવાની ફરજ પડશે. ખાનગી પેઢીઓની વૃદ્ધિ સાર્વત્રિક સેવાના અર્થતંત્રને ધમકીરૂપ બની શકે છે.