લંડનઃ લેબર પાર્ટીના રોશેના અલી-ખાન સાઉથ લંડનની ટૂટિંગ સંસદીય પેટાચૂંટણીમાં ૬,૩૫૭ મતની સરસાઈથી વિજયી બન્યાં છે. જોકે, લેબર મહિલા સાંસદ જો કોક્સની કરપીણ હત્યાના કારણે આ પરિણામના સમાચાર દબાઈ ગયા હતા. રોશેના અલી-ખાને ૧૭,૮૯૪ મત હાંસલ કરી તેમના ટોરી સ્પર્ધક ડાન વોટકિન્સને પરાજિત કર્યા હતા.
બે સંતાનોની માતા રોશેના એક્સિડન્ટ એન્ડ ઈમર્જન્સી વિભાગમાં જુનિયર ડોક્ટર હોવા સાથે વોન્ડ્ઝવર્થ કાઉન્સિલમાં લેબર ગ્રૂપના ડેપ્યુટી લીડર છે. ટૂટિંગના લેબર સાંસદ સાદિક ખાન લંડનના મેયરપદે ચૂંટાયા પછી પેટાચૂંટણી યોજાઈ હતી. સાદિક ખાને સામાન્ય ચૂંટણીમાં ૨,૮૨૪ મતની સરસાઈ હાંસલ કરી હતી તેનાથી પણ રોશેનાની સરસાઈ વધુ છે.