કેરા (તા. ભુજ): બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં લંડનમાં અવસાન થયું હતું. તેઓ કેન્સરની સારવાર હેઠળ હતા અને તબિયત પણ સુધારા પર હતી. દરમ્યાન કોરોનાની અસર હેઠળ તેમણે લંડનના સ્થાનિક સમયે રાત્રે દોઢ વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતાં. પરબતભાઈ કચ્છીઓની આફ્રિકા હિજરતી પેઢીને જોડનાર માધ્યમ હતા. બાળપણથી સ્વામીનારાય સંપ્રદાયમય ઉછેર પામેલા મીતભાષી પરબતભાઈએ લાલજી મેઘજી પટેલ કંપનીને પ્રતિષ્ઠા અપાવી છે. કરિયાંગા માર્ગ પરના કચ્છ સત્સંગ સ્વામીનારાયણમાં મંદિરમાં તેઓ ૧૦ વર્ષ સુધી ઉપપ્રમુખપદે રહ્યા અને તેમણે કચ્છીઓના કચ્છ પ્રાંત લંગાટામાં મંદિર અને આવાસ નિર્માણ, અતિ સાહસરૂપ કાર્યો દૂરંદેશીથી પાર પાડયા હતા.
લંગાટા મંદિરના છેલ્લા આઠ વર્ષથી પ્રમુખપદે રહી સંતોના આશીર્વાદના તેઓ અધિકારી બની રહ્યા હતા. આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી, મોટા મહારાજ, ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી રામજી દેવજી વેકરિયા, ઉપકોઠારી મુરજીભાઇ સિયાણી, લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી, લંગાટા મંદિરના ઉપપ્રમુખ હીરજીભાઇ સિયાણી, મંત્રી નારાણભાઇ ગોરસિયા, નાઇરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઇ હાલાઇ, યુ.કે. પ્રમુખ વેલજીભાઇ વેકરિયા, પૂર્વ પ્રમુખ માવજીભાઇ (કેન્ફોર્ડ), મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઈ પીંડોરિયા, વિલ્સ્ડન અગ્રણી કે.કે. જેસાણીએ તેમના નિધનથી દુઃખ વ્યક્ત કર્યું હતું.