લંડનઃ શુક્રવારે સવારના ૮.૨૦ના અતિ વ્યસ્ત સમયમાં વેસ્ટ લંડનના પારસન્સ ગ્રીન વિસ્તારની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં વિસ્ફોટ ઘટનામાં એક બાળક સહિત ૩૦ પ્રવાસીને દાઝી જવાની ઈજા પછી પોલીસે બોમ્બરની તપાસ આદરી હતી અને ૧૮ વર્ષના તરુણ અને ૨૧ વર્ષના યાહ્યા ફરોખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટેરરિઝમ એક્ટ હેઠળ ડોવર પોર્ટ એરિયામાં ધરપકડ કરેલી આ વ્યક્તિને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રખાઈ છે. સિક્યુરિટી મિનિસ્ટર બેન વોલેસે જણાવ્યું હતું કે નવા હુમલાની ભારે શક્યતાને નિહાળતા થ્રેટ લેવલ વધારીને ક્રિટિકલ કરાયું હતુ, જે પાછળથી ઘટાડી દેવાયું છે. ઘટનાની ગંભીરતાના લીધે ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ સહિત મહત્ત્વના સ્થળોએ પોલીસના બદલે આર્મી ગોઠવાઈ ગઈ છે. અને સશસ્ત્ર પોલીસે શેરીઓમાં રાઉન્ડ લગાવવા શરૂ કર્યા છે. દેશના અન્ય ભાગોમાં પણ સશસ્ત્ર પોલીસે સુરક્ષાનો હવાલો સંભાળી લીધો છે. ઈસ્લામિક સ્ટેટના એક જૂથે હુમલાની જવાબદારીનો દાવો કરતા જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ પ્લાન્ટ કર્યા હતા.
સેન્ટ્રલ લંડન જઈ રહેલી ટ્રેનમાં વિસ્ફોટ થવાથી ગભરાયેલા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લિડલ કેરિયર બેગમાં રખાયેલી પ્લાસ્ટિકની સળગતી બકેટ ‘આગના ગોળા’ની માફક ડિસ્ટ્રિક્ટ લાઈન ટ્રેનના કેરેજમાં ફેંકવામાં આવી હતી. આગની લપેટો ડબામાં ફેલાઈ જવાના પરિણામે એક બાળક સહિત ૨૯ લોકોના ચહેરા પર દાઝી જવાની ગંભીર ઈજા થઈ હતી. લોકોએ ગભરાટમાં ટ્રેનના ડબામાંથી કૂદકા મારી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્ફોટની આ ઘટનાના પરિણામે આર્મ્ડ પોલીસ આવી પહોંચી હતી. આ બકેટમાં હાથબનાવટનો કોઈ બોમ્બ કે વિસ્ફોટક સાધન હોવા વિશે પોલીસે કશું જણાવ્યું નથી પરંતુ, બનાવ ત્રાસવાદી હુમલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિસ્ફોટની ઘટના પછી વડા પ્રધાન થેરેસા મેએ પ્રથમ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘મારી લાગણીઓ પારસન્સ ગ્રીન ખાતે ઘવાયેલા લોકો અને આ ત્રાસવાદી કૃત્યનો હિંમતભેર સામનો કરી રહેલી ઈમર્જન્સી સર્વિસીસની સાથે જ છે.’ તેમણે ત્રાસવાદી ઘટના સંબંધે કોબ્રા ઈમર્જન્સી કમિટીની બેઠક પણ બોલાવી હતી. આ શંકાસ્પદ ત્રાસવાદી ઘટનામાં ૧૦ વર્ષના બાળક સહિત ઓછામાં ઓછાં ૧૮ પ્રવાસીને ઈજા થયાના પ્રથમિક અહેવાલો છે. કેટલાય ઈજાગ્રસ્તના ચહેરા બળેલા અને લોહીનીંગળતા હતા, તો ઘણાને હાથ-પગે ઈજા થઈ હતી.
સીરિયન રેફ્યુજી યાહ્યા ફરોખની ધરપકડ
પારસન્સ ગ્રીન બકેટ બોમ્બ હુમલાના સંદર્ભે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઈરાકી રેફ્યુજી મનાતા ૧૮ વર્ષીય તરુણ શકમંદની પોર્ટ ઓફ ડોવર ખાતે ધરપકડ થયા પછી શનિવારે રાત્રે હંસલો ખાતે ૨૧ વર્ષીય સીરિયન શરણાર્થી યાહ્યા ફરોખની ધરપકડ થઈ છે. આ પછી પોલીસે વધુ તપાસ હીથ્રો એરપોર્ટની તદ્દન સામે આવેલા સરેના સ્ટેનવેલમાં એક મકાન પર દરોડો પાડ્યો હતો.
યાહ્યા ફરોખ ૨૦૧૩માં સીરિયાના દમાસ્કસ નજીકથી બ્રિટન આવ્યો તે પછી તેને પેનેલોપ અને રોનાલ્ડ જોન્સના ઘેર રાખવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે હંસલોની ચિકન શોપની બહાર સાદા વેશમાં પોલીસ અધિકારીઓ યાહ્યાને પકડવા તેની રાહ જોઈને ઉભા રહ્યા હતા. યાહ્યા આ દુકાનમાં નવ મહિનાથી કામ કરતો હતો. પોલીસે તેને ઝડપ્યો ત્યારે તેણે આઈ એમ સોરી, આઈ એમ સોરીની બૂમો પાડી હતી.
ધરપકડ કરાયેલો પ્રથમ બકેટ બોમ્બર શકમંદ પણ પેનેલોપ અને રોનાલ્ડ જોન્સના ઘેર રહ્યો હોવાનું મનાય છે. આ બે વચ્ચેનો સંબંધ પોલીસ તપાસી રહી છે. તેઓ કેલે ખાતે જંગલ છાવણીમાં અથવા ના અંકુશ હેઠળના સીરિીયા કે ઈરાકમાં પણ મળ્યા હોઈ શકે છે. ત્રાસવાદવિરોધી પોલીસ દળે પેનેલોપ અને રોનાલ્ડ જોન્સની સરે ખાતેની પ્રોપર્ટીને ઘેરી લીધી હતી અને ત્યાંથી કોઈ સગડ મળે તેની તલાશ કરી હતી.
ત્રાસવાદીઓ માટે ‘શૂટ ટુ કિલ’ના આદેશ
પારસન્સ ગ્રીન વિસ્ફોટ ઘટનાના પગલે ત્રાસવાદી હુમલાઓને અટકાવવા શંકાસ્પદ પેસેન્જર્સ પર નજર રાખવા SAS સશસ્ત્ર દળોને લંડન અંડરગ્રાઉન્ડમાં ગોઠવવામાં આવ્યા છે. આ દળોને ત્રાસવાદીઓને ‘દેખો ત્યાંથી ઠાર કરો’ના આદેશ પણ આપી દેવાયા છે. SAS અને સ્પેશિયલ રિકાનેસાન્સ રેજિમેન્ટ (SRR)ના સૈનિકોને ટ્રેન્સ, બસીસ અને વિમાનોમાં ત્રાસવાદીઓને લક્ષ્યાંક બનાવવા જણાવી દેવાયું છે. ટાસ્ક ફોર્સના કેટલાક સૈનિકો મોટા ભાગે યુગલના ગુપ્ત વેશમાં વ્યસ્ત ટ્યૂબ નેટવર્કમાં પેટ્રોલિંગ કરશે. આ બધા સૈનિકોને ગ્લોક ૯ એમએમ સેમિ-ઓટોમેટિક પિસ્તોલ્સથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી સંભવિત બંદૂકબાજો અને સુસાઈડ બોમ્બર્સને તત્કાળ ખતમ કરી શકાય.
સૂત્રોએ જણાવ્યું છે કે આ સૈનિકોને ગત થોડા મહિનાથી હીઅરફોર્ડના SAS બેઝમાં ‘રેપિડ ફાયર ટેકનિક્સ’ની ખાસ તાલીમ અપાઈ હતી. ટોસ્ક ફોર્સમાં આર્મીના સૌથી અનુભવી તેમજ તાલીમબદ્ધ કિલર પુરુષ અને સ્ત્રી પર્સોનેલનો સમાવેશ કરાયો છે. આ સૈનિકોને સોફ્ટ નોઝ બૂલેટ્સ પૂરી પડાઈ છે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટના પ્રવાસીઓને જોખમ મર્યાદિત બનાવી શકાય.
ફોસ્ટર પેરન્ટ્સ શકમંદના ભૂતકાળથી અજાણ
લંડન અંડરગ્રાઉન્ડમાં શુક્રવાર સવારની બકેટ બોમ્બ ઘટનાના ૧૮ વર્ષીય શકમંદ તરુણના ભૂતકાળ વિશે તેના પાલક પેરન્ટ્સને અજાણ રખાયા હોવાનો દાવો કરાય છે. સરે કાઉન્ટી કાઉન્સિલ કે સોશિયલ સર્વિસીસ કરતા વધુ માહિતી તેમને પોલીસ તરફથી મળી હતી. સરેના સ્ટેનવેલમાં રહેતાં પેનેલોપ અને રોનાલ્ડ જોન્સ છેક ૧૯૭૦ના દાયકાથી તેમના ઘરમાં નિર્વાસિત બાળકોને આશ્રય આપતાં રહ્યાં છે. તેમણે પોતાના ઘરમાં ૨૬૮ બાળકોને આવકાર આપેલો છે અને તેમનું લાલનપાલન કર્યું છે. આવા શરણાર્થી બાળકોની સંભાળ રાખવા બદલ જોન્સ દંપતીને ૨૦૦૯માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના હસ્તે MBE ઈલકાબો એનાયત કરવામાં આવ્યાં હતાં. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આવી રીતે બ્રિટન આવતા બાળકોનો ઉછેર કરતા સૂત્રોનું કહેવું છે કે તેમને બાળકનું પ્રથમ નામ, વય અને તેઓ ક્યાંથી આવે છે તેની જ માહિતી અપાય છે. તેઓ સંભવિત જોખમ હોય કે નહિ તે જાણી શકાતું નથી. જોકે, આ તરુણ ‘ઉપદ્રવી’ હોવાનું પડોશીઓ કહે છે.
મેટ્રોપોલીટન પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુએ આ ઘટનાને ત્રાસવાદી કૃત્ય જાહેર કર્યું હતું. મેટ પોલીસના કાઉન્ટર-ટેરરિઝમ કમાન્ડ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. સ્કોટલેન્ડ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેનમાં બીજો બોમ્બ છે અને શકમંદ વ્યક્તિ ભાગી છૂટી છે તેવા દાવાને સમર્થન આપતા નથી પરંતુ, તપાસ થઈ રહી છે.
ગુંચવાડાસભર દૃશ્યમાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે ચાકુ સાથે સશસ્ત્ર પુરુષ ફરતો હોવાની ચેતવણી અપાઈ હતી અને પોલીસે લોકોને દૂર સલામત સ્થળે જતા રહેવાની સલાહ આપી હતી. એક સાક્ષીએ બીબીસીને જણાવ્યું હતું કે એક ‘ધડાકો’ સંભળાયો હતો અને ‘આગની લપટો’ ભીડ સાથેના કેરેજમાં ફેલાઈ ગઈ હતી. પારસન્સ ગ્રીન સ્ટેશને ટ્રેનના બારણા ખુલવાની સાથે જ લોકો ચીસાચીસ કરતા નીચે કૂદવા લાગ્યા હતા. કેટલાક પ્રવાસીના ચહેરા અને વાળ બળી ગયા હતા. વિસ્ફોટની પાંચ જ મિનિટમાં સશસ્ત્ર પોલીસ, પેરામેડિક્સ અને ફાયરફાઈટર્સ વેસ્ટ લંડન સ્ટેશને આવી ગયા હતા. સ્કોટલેન્ડ યાર્ડે ચોક્કસ માહિતી મળે વિગતો અપાશે તેમ કહ્યું હતું.
ટ્યૂબ બોમ્બ ક્રૂડ વિસ્ફોટ ડિવાઈસ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વિડિયોઝમાં કેરેજના ફ્લોર પર સળગતી બકેટને દર્શાવવામાં આવી છે. તેમાં અંદરની બાજુએથી નાની ઝબૂકતી ક્રિસમસ લાઈટ્સના વાયર્સ બહાર આવેલા દેખાતા હતા. ત્રાસવાદીઓ દ્વારા આવી લાઈટ્સનો ઉપયોગ બોમ્બના ડિટોનેટર્સ તરીકે અગાઉ કરાયો છે. એક્સપ્લોઝિવ નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર આ વિસ્ફોટક ‘અનસોફિસ્ટિકેટેડ’ દેખાય છે અને બરાબર ફૂટી શક્યું નથી. મેજર જનરલ ચિપ ચેપમેને જણાવ્યું હતું કે આ ISIS દ્વારા ઉપયોગમાં લેવાતા ઉચ્ચ કક્ષાના વિસ્ફોટક જેવું નથી. છતાં જો તે હોય તો તેનું બૂસ્ટર કે ડિટોનેટર નિષ્ફળ ગયું છે. જો હાઈ એક્સપ્લોઝિવ સફળ થયું હોત તો બ્લાસ્ટ અને તેના આઘાતથી સંખ્યાબંધ લોકોના મોત થયા હોત.