લંડનઃ ગત દસ વર્ષમાં મધ્યપૂર્વના દેશ કતારે લંડનના સૌથી મોટા લેન્ડલોર્ડ્સમાં સ્થાન જમાવવા સાથે લંડન પર લગભગ કબજો મેળવ્યો છે કારણકે તેની પાસે પ્રાઈમ રીઅલ એસ્ટેટ્સમાં ૨૪ મિલિયન ચોરસ ફૂટની માલિકી છે. આમ વિદેશી કતાર કંપનીઓ ઓનરશિપ રેન્કિંગમાં સિટી ઓફ લંડન, TfL અને નેટવર્ક રેલ અને ક્વીનથી પણ આગળ છે. કતારીઓ પાસે કેનરી વ્હાર્ફમાં ૨૨ મિલિયન ચોરસ ફૂટ અને અન્યત્ર ૧.૮ મિલિયન ચોરસ ફૂટની માલિકી છે. કતારી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ યુકેમાં તેના ૮૦ બિલિયન પાઉન્ડના કુલ રોકાણમાંથી ૩૦ બિલિયન પાઉન્ડ રીઅલ એસ્ટેટ સેક્ટરમાં કર્યું છે.
તાજેતરમાં પ્રોપર્ટી વીક મેગેઝિન દ્વારા ટોપ ટેન લંડન ઓનરશિપ રેન્કિંગ જોહેર કરાયા છે, જેમાં બ્રિટિશ લેન્ડ કંપની, BNP પારિબાસ, લીગલ એન્ડ જનરલ, અવિવા તેમજ સેગ્રોનો પણ સમાવેશ થાય છે. લંડનમાં ક્વીન ૭.૨૬ મિલિયન ચોરસ ફૂટ મિલકતોની માલિકી ધરાવે છે. ઓવરસીઝ નાણારોકાણ માટે યુકે પ્રોપર્ટી સેક્ટર સુરક્ષિત મનાય છે.
કતાર જેવા વિદેશી રોકાણકારો લંડનના પાંચ મુખ્ય વિસ્તારો કેન્સિંગ્ટન, નાઈટ્સબ્રિજ, મેફેર, ધ સિટી અને કેનરી વ્હાર્ફમાં રોકાણ કરે છે. તાજેતરમાં જ કતાર હોલ્ડિંગ દ્વારા ચાર ફાઈવ સ્ટાર લક્ઝરી હોટેલ્સ-ક્લેરિજ્સ, ધ કોનોટ, ધ નાઈટ્સબ્રિજ બર્કલી અને પાર્ક લેન ઈન્ટરકોન્ટિનેન્ટલ ખરીદી લેવાઈ છે. કતારી ડીઆર પાસે ગ્રોવનર સ્ક્વેરમાં પૂર્વ અમેરિકી એમ્બેસીની માલિકી છે જ્યારે, QIA પાસે ચેલ્સી બેરેક્સ, ધ શાર્ડ અને ઓલિમ્પિક વિલેજની માલિકી છે. બે વર્ષ અગાઉ, કતાર હોલ્ડિંગ અને કેનેડાની બ્રૂક્ફિલ્ડે હાથ મિલાવી ૨.૬ બિલિયન પાઉન્ડમાં કેનરી વ્હાર્ફ ખરીદવાનો સોદો પાર પાડ્યો હતો, જે ગત દસકામાં યુકે પ્રોપર્ટી માર્કેટમાં સૌથી મોટો ઈન્વેસ્ટમેન્ટ સોદો ગણાય છે.