લંડન
લંડન ફાયર બ્રિગેડમા વંશીય ભેદભાવ ચરમસીમા પર પહોંચ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા 70 પાનાના રિપોર્ટમાં વંશીય લઘુમતીના કર્મચારીઓ સાથે થતા વંશીંય ભેદભાવ, મશ્કરી અને શોષણની ચોંકાવનારી વાતો સામે આવી છે. એક કિસ્સામાં એક અશ્વેત મહિલા કર્મચારીના હેલ્મેટને પેશાબથી ભરી દેવાઇ હતી જેના કારણે તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર બની હતી. એક અશ્વેત કર્મચારીના લોકર પર ફાંસીનો ફંદો લટકાવીને હેરાન કરાયો હતો તો એક મુસ્લિમ કર્મચારીના સામાન પર આતંકવાદી હોવાના સ્ટીકરો ચોંટાડીને પરેશાન કરાતો હતો. ઓગસ્ટ 2020માં વેમ્બલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 21 વર્ષીય જેડેન ફ્રાન્કોઇસે આત્મહત્યા કર્યા બાદ સોંપાયેલી તપાસના રિપોર્ટમાં આ ખુલાસા કરાયા છે.
નઝિર અફઝલમ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફાયરબ્રિગેડમાં વંશીય ભેદભાવ અને લઘુમતી વંશીય સમુદાયના કર્મચારીઓને પરેશાન કરવાની પ્રવૃત્તિ ચરમસીમા પર છે. નઝિર અફઝલમે જણાવ્યું હતું કે, કામના સ્થળે થતી હેરાનગતિના તણાવના કારણે જેડેનની જેમ ઘણા કર્મચારીઓ આત્મહત્યા કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં 6 કર્મચારી આત્મહત્યા કરી ચૂક્યાં છે.
રિપોર્ટમાં પીડિત મહિલા કર્મચારીઓએ આરોપ મૂક્યો છે કે તાલીમ દરમિયાન તેમની સાથે શારીરિક છેડતી થતી હોય છે. મજાક મશ્કરી અને ઠઠ્ઠા તમામ હદ વટાવી ગયાં છે. ફાયરબ્રિગેડના 5000 કર્મચારી પૈકી 4500 કરતાં વધુ ફાયર લાશ્કરો છે. તેમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 425 અને વંશીય લઘુમતી કર્મચારીઓની સંખ્યા માંડ 500ની આસપાસ છે. લંડનના ફાયર ઓફિસર એન્ડી રોએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ ઘણો વિચલિત કરનારો છે.
નઝિર અફઝલમે જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડમાં હવે કોઇપણ પ્રકારના ભેદભાવ, મજાક મશ્કરી કે ઠઠ્ઠા અને હેરાનગતિને સાંખી લેવાશે નહીં. જો કોઇ કર્મચારી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો માલૂમ પડશે તો તેની સામે કડક પગલાં લેવાશે.