લંડનઃ ભારતીય હાઈ કમિશને ૨૧ ફેબ્રુઆરીએ ભાવિ ભારતીય ફેશન ડિઝાઈનર્સ અને ક્યુરેટર્સની ટીમ માટે સમારંભનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ લંડનમાં ઈન્ટરનેશનલ ફેશ શોકેસ (IFS)માં તેમના પ્રદર્શન બદલ ‘બેસ્ટ કન્ટ્રી’નો એવોર્ડ હાંસલ કર્યો હતો.
બ્રિટિશ કાઉન્સિલ, બ્રિટિશ ફેશન કાઉન્સિલ અને મર્સીડીઝ બેન્ઝ દ્વારા ૧૭થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન લંડન ફેશન વીકમાં IFSનું આયોજન કરાયું હતું, જેમાં ૨૮ દેશના ઉભરતા આંતરરાષ્ટ્રીય ડિઝાઈનરોએ કળાનું પ્રદર્શન કર્યું હતું. IFSનો આરંભ ૨૦૧૨માં કરાયો હતો અને હવે તે વાર્ષિક કાર્યક્રમ બની ગયો છે.
આ વર્ષના પ્રદર્શનનું થીમ ‘લોકલ/ગ્લોબલ’ હતું. ભારતીય પ્રદર્શનને ‘ધ ઈન્ડિયન પેસ્ટોરાલિસ્ટ્સ’ નામ અપાયું હતું. યુકેસ્થિત નાયબ ભારતીય હાઈ કમિશનર અને એમ્બેસેડર દિનેશ પટનાયકે વિજેતા ભારતીય ટીમને આવકારી દેશનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.