લંડનના કોરોનાના મૃતકોની સ્મૃતિમાં નવું મેમોરિયલ પાર્ક બનશે

Wednesday 02nd December 2020 05:48 EST
 
 

લંડનઃ કોવિડ – ૧૯ મહામારીમાં જીવ ગુમાવનારા લંડનવાસીઓની સ્મૃતિમાં લંડનના પૂર્વ વિસ્તારમાં ૩૩ બ્લોસમ ટ્રી સાથે નવો ગાર્ડન તૈયાર કરાશે તેમ મેયર સાદિક ખાને જણાવ્યું હતું. ત્રણ સર્કલમાં આ વૃક્ષો વાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે કોરોના વાઈરસે આપણા પાટનગરને કાયમ માટે બદલી નાંખ્યુ છે અને લંડન સમાજમાં અસમાનતા વધારી દીધી છે. કોરોના મહામારી સૌ પ્રથમ માર્ચમાં શરૂ થઈ હતી તેથી ગાર્ડનમાં સ્પ્રિંગ ટ્રી રોપવામાં આવશે. તેમણે કહ્યું કે વાઈરસ સામેની લડત ચાલુ રાખવાની સાથે કોરોનાને લીધે જીવ ગુમાવનારા લોકોને યાદ કરવા, કોરોના વોરિયર્સના કાર્યને બીરદાવવા અને મહામારીના અનુભવનું લંડનવાસીઓ ચિંતન કરી શકે તે માટે આપણે મેમોરિયલની રચના કરી રહ્યા છીએ. આ ગાર્ડન મહામારીમાં લંડનવાસીઓ એકબીજાની મદદ માટે કેવી રીતે સંગઠિત થયા તેનું પ્રતીક બનશે.

ન્યૂહામમાં ૨૦૧૨ ઓલિમ્પિક સ્ટેડિયમ નજીક તૈયાર થનારો મેમોરિયલ ગાર્ડન કોરોનાથી મૃત્યુ પામેલા હજારો લોકોની યાદ અપાવશે. મે મહિનામાં ન્યૂહામમાં કોરોનાનો મૃત્યુદર સમગ્ર દેશમાં સૌથી વધુ હતો. લંડનની બરોમાં ન્યૂહામને કોરોનાની સૌથી વધુ અસર થઈ હતી. રોયલ ડોક્સમાં એક્સેલ સેન્ટર ખાતે ઈમરજન્સી એનએચએસ નાઈટીંગલ હોસ્પિટલ ત્યાં આવેલી છે.

કોરોના વાઈરસના બીજા મોજામાં ઈસ્ટ લંડન કેન્દ્રસ્થાને રહ્યું છે. દર એક લાખે કોરોનાના ૨૫૦ થી વધુ કેસ સાથે રેડબ્રીજ, હાવરીંગ, બાર્કિંગ અને ડેગનહામ અને બેક્સલી શહેરની સૌથી વધુ અસરગ્રસ્ત બરો છે.

સરકાર દ્વારા અપાયેલી તાજી માહિતી મુજબ ન્યૂહામ, રેડબ્રીજ, હાવરીંગ, બાર્કિંગ અને ડેગનહામમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter