લંડનઃકોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા ટેક્સ વર્ષમાં બિઝનેસ રેટ્સમાં ૧૦૦ ટકાની છૂટ આપતી યોજનાનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
જોકે, આ યોજના માર્ચના અંતે સમાપ્ત થઈ રહી છે ત્યારે લંડનના મેયર સાદિક ખાને બિઝનેસીસને નાણાકીય ખાઈમાં પડતા બચાવવા સરકારને આ મદદ લંબાવવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે માર્ચમાં બિઝનેસ રેટ્સ હોલીડે અને તે પછી એપ્રિલમાં ફર્લો સ્કીમ બંધ કરવાની સરકારની યોજનાથી એમ્પ્લોયર્સ માટે વિશાલ નાણાકીય ખાઈ સર્જાશે. લંડનના બિઝનેસીસ અને વર્કર્સને નોકરીઓના રક્ષણ માટે આગામી બજેટમાં વધુ પગલાંની જરુર છે.