લંડનઃ શહેરના પ્રથમ મુસ્લિમ મેયર સાદિક ખાનને નીસડનમાં આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત ફળી છે તેમ જણાય છે. સાદિક મેયર તરીકે ચૂંટાયાના થોડાં દિવસ પહેલાં જ તેમણે આ મંદિરની મુલાકાત લીધી હતી. તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમણે મેયર બન્યા પહેલાં એમ પણ કહ્યું હતું કે ‘હું હવે પછી લંડનના મેયર તરીકે શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે જઈશ.’
સ્વામિનારાયણ મંદિરની મુલાકાત વખતે ખાને લોકો સાથે વાતચીત કરી હતી અને કેટલીક ધાર્મિક વિધિમાં પણ ભાગ લીધો હતો. એક ફોટોમાં મંદિરના એક પૂજારી ખાનના હાથમાં નાડાછડી બાંધી રહેલા દેખાય છે. સાદિક ખાને તે સમયે કહ્યું હતું કે ‘નીસડનનું શ્રી સ્વામિનારાયણ મંદિર લંડનમાં તેમના પસંદગીના સ્થળોમાંનું એક છે.’ ખાને મેયર બન્યા પહેલાં સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મોકલી હતી.
ફેસબુક પર પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, ‘મેયર તરીકે હું લંડનમાં ભારતીય સમુદાયની સેવામાં હાજર રહીશ અને ભારત સાથે લંડનની મિત્રતા વધુ મજબૂત બનાવીશ. હું વહેલામાં વહેલી તકે ભારત ખાતે એક વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે જઈશ.’ ૪૫ વર્ષીય સાદિક ખાને મેયરપદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથને વિક્રમજનક માર્જિનથી હરાવ્યા હતા. ઝેક એક બિલિયોનેર ફાઇનાન્સરના પુત્ર છે. બ્રિટિશ રાજનીતિના ઇતિહાસમાં આ પરિણામ સૌથી મહત્ત્વનું મનાય છે.