લંડનઃ બ્રિટિશ રાજધાની લંડનના મેયર સાદિક ખાન અને ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ આ વર્ષના અંત ભાગમાં છ દિવસની વેપાર મુલાકાતે ભારતના મુંબઈ, દિલ્હી અને અમૃતસરની મુલાકાત લીધા પછી પાકિસ્તાનમાં લાહોર, ઈસ્લામાબાદ અને કરાચી જશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઈયુ રેફરન્ડમ પછી ‘લંડન ઈઝ ઓપન’ સિદ્ધાંત અનુસાર બન્ને દેશોમાં બ્રિટિશ રાજધાનીનું મહત્ત્વ વધારવા તેમજ વેપાર અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવાનો છે. મેયર ખાને જણાવ્યું હતું કે ગત વર્ષે બ્રેક્ઝિટ વોટ પછી ભારત કે પાકિસ્તાનમાંથી લંડનને ઈન્વેસ્ટમેન્ટનો અભાવ જોવા મળ્યો નથી.
મેયર ખાન આ ટુંકી મુલાકાત દરમિયાન બન્ને દેશના વરિષ્ઠ રાજકારણીઓ, બિઝનેસ અગ્રણીઓ અને શહેરોના વડાને મળવાની ધારણા છે. બંને દેશની મુલાકાત લેનારા તેઓ પ્રથમ મુખ્ય બ્રિટિશ રાજકારણી બની રહેશે. તેઓ ભારત અને પાકિસ્તાનમાં મૂળિયાં ધરાવે છે ત્યારે બન્ને દેશ માટે લંડનને પુનઃ શિક્ષણ, બિઝનેસ અને રોકાણ માટે પ્રથમ ક્રમનું કેન્દ્ર બનાવવાનું તેમનું મિશન બની રહેશે. આ મુલાકાતમાં ઈમિગ્રેશન અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા, પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અને એન્ટ્રેપ્રીન્યોરીઅલ વિઝાના મુદ્દાની ચર્ચા કરાશે. મેયરે ખાતરી ઉચ્ચારી છે કે તેઓ યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનો પ્રવાહ વધારવા લોબીઈંગ કરી રહ્યા છે.દ્વિપક્ષી સાંસ્કૃતિક વિનિમયના વર્ષ ઈન્ડિયા-યુકે યર ઓફ કલ્ચરના ભાગરુપે મેયર ખાન બોલીવૂડના અગ્રણીઓ તેમજ ટેકનોલોજી, શિક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રના પ્રતિનિધિઓને પણ મળશે.
ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટની ચર્ચાઓમાં વડપણ સંભાળશે. મેયરના ઈન્ટરનેશનલ બિઝનેસ પ્રોગ્રામમાં ૩૪૦થી વધુ કંપનીઓ જોડાઈ છે ત્યારે બિઝનેસ અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ હૈદરાબાદ અને બેંગલોરની મુલાકાત લેવા અગાઉ મુંબઈમાં સાદિક ખાન સાથે મુલાકાત યોજશે. આ કંપનીઓએ સંયુક્તપણે ૧૨૦ બિલિયન પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે.
યુકે ૨૦૦૫-૨૦૧૬ના ગાળામાં ભારતીય રોકાણો માટે બીજા ક્રમનું સૌથી મોટુ સ્થળ બની રહ્યું છે અને લંડન ભારતની સૌથી વધુ વિકસતી ૪૪ ટકા કંપનીઓ માટે કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર યુરોપમાં રોકાણોની સરખામણીએ ભારતનું રોકાણ યુકેમાં વધારે છે. આ ઉપરાંત, ભારતીય કંપનીઓ યુકેમાં ૧૧૦,૦૦૦ જેટલા લોકોને રોજગારી આપે છે.