ભુજઃ છેલ્લા ૧૦ વર્ષથી કચ્છના દિવ્યાંગો માટે સાહસ દ્વારા ચેરિટી ફંડ એકત્ર કરી સહાયરૂપ થતાં યુકે સ્થિત ફ્રેન્ડ્ઝ ઓફ કેરા જૂથે તાજેતરમાં લંડનથી હિમાલયની તળેટીમાં આવીને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ૫૩૮૦ મીટરનું ચઢાણ કરીને રૂ. ૩૫ લાખનું ફંડ એકત્ર કર્યું હતું. આ રકમ ડિસેમ્બર મહિનામાં વધુ એક કાર્યક્રમ કરીને વાપરવામાં આવશે. હવે આ જૂથ વિશ્વભરના શારીરિક-માનસિક વિકલાંગ બાળકો માટે કામ કરી રહ્યું છે.
હિમાલય આરોહણ માટે પ્રકાશ નારદાણીની આગેવાનીમાં ૨૭ સભ્યોની ટીમે તાજેતરમાં ૧૪ દિવસ સુધી પ્રતિદિન ૬થી ૮ કલાક કપરી યાત્રા કરી હતી. આ ગ્રુપમાં ૧૮ પુરુષ અને ૮ સ્ત્રીઓ ૧૮થી ૫૮ વય જૂથનાં હતાં. બરફ, વરસાદ, કડકડતી ઠંડી સામે ઝઝૂમતા આ ગ્રુપે સફળ આરોહણ કર્યું હતું. જૂથમાં કિશોરભાઈ નારદાણી, પ્રકાશ નારદાણી, ઘનશ્યામ નારદાણી, પ્રવીણ હીરાણી, ચંદ્રિકા રાબડિયા (બળદિયા), રજનીકાંત વેપરિયા (બળદિયા), વનીશા નારદાણી, પ્રેમ રાબડિયા, રાજેશ નારદાણી, અમૃત હીરાણી, રિથેન હીરાણી, અશ્વિન સોજીત્રા, રોશની વેકરિયા, કેતન હીરાણી (સૂરજપર), પ્રેમીલા પિંડોરિયા, નરેશ પિંડોરિયા, મનસુખ મેઘાણી (માધાપર), કસ્તૂર પટેલ (દહીંસરા), રમેશ વેકરિયા (સૂરજપર), ધનુ જેસાણી (બળદિયા), લક્ષ્મણ પટેલ (ફોટડી), હરિકેશ મહેતા (મુંબઈ), માઈકલ લિપર્ટ (પોલેન્ડ), સવિતા લક્ષ્મણ પટેલ (ફોટડી), પ્રીતિ રમેશ વેકરિયા (સૂરજપર) અને ચંદ્રકાંત માવજી પટેલ (ફોટડી) હતા.
આ જૂથે એવરેસ્ટ આરોહણ પહેલાં સતત છ માસ બ્રિટનમાં રોક ક્લાઈમ્બિંગની સખત પ્રેક્ટિસ પણ કરી હતી. એવરેસ્ટ બેઝ કેમ્પ આરોહણ કર્યા પછી વાત કરતાં આ ગ્રુપે દિવ્યાંગજનો માટે કંઈક પરિશ્રમ કર્યાનો સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
આ સાહસ અને સફળતા માટે ‘ફ્રેન્ડઝ ઓફ કેરા’ના ગ્રુપને કચ્છી લેઉઆ પટેલ ભુજ યુવક સંઘના પ્રમુખ મનજીભાઈ પિંડોરિયાએ અને મંત્રી વસંત પટેલે અભિનંદન આપ્યા હતા.