લંડનઃ રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) યુનિયનના 10,000 વર્ક્સ નોકરી, વર્કિંગ કન્ડિશન્સ અને પેન્શનના વિવાદ સંબંધે કામ છોડી હડતાળ પર ઉતરી જવા સાથે લંડન અંડરગ્રાઉન્ડની તમામ લાઈન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જેના પરિણામે અરાજકતા વ્યાપી જવા સાથે લંડનવાસીઓને ભયંકર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો પોતાની નોકરીઓ પર જઈ શક્યા ન હતા. હડતાળને ટાળવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો ચાલ્યા હતા પરંતુ, માત્ર 20 મિનિટની મંત્રણા પછી નિષ્ફળતા હાથ લાગી હતી. RMT યુનિયને જણાવ્યું છે કે જો વિવાદનો ઉકેલ નહિ આવે તો ગુરુવાર 3 માર્ચે બીજી સ્ટ્રાઈક અમલી બનશે.
લંડન બસસેવા, TfL રેલ, ધ ડોકલેન્ડ્સ લાઈટ રેલવે અને ટ્રામ સેવાઓની કામગીરી સામાન્ય રહી હતી જ્યારે લંડન ઓવરગ્રાઉન્ડ સેવામાં કાપ મૂકાયો હતો.
સવારે 11 કલાકે પિકાડેલી, સેન્ટ્રલ, ડિસ્ટ્રિક્ટ અને નોર્ધર્ન લાઈન્સ ઘટાડેલી ફ્રિકવન્સી સાથે ફરી ચાલુ કરાઈ હતી પરંતુ, લોકોના ધસારાને પહોંચી વળે તેમ ન હતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ટેક્સીઓ અને બસીસ મેળવવા પણ લોકોએ ધક્કામુક્કી કરવી પડી હતી. હડતાળના કારણે લોકોને શક્ય હોય ત્યાં ઘેર રહીને કામ કરવાની તેમજ સાઈકલ અથવા ચાલીને જવાની સલાહ અપાઈ હતી.
બુધવાર 2 માર્ચ તેમજ શુક્રવાર 4 માર્ચે પણ સવારની ટ્યૂબસેવાને અસર પહોંચવાની શક્યતા છે. જે સેવાઓ ચાલુ રહેશે ત્યાં પણ ભારે ભીડનો સામનો કરવો પડશે. લોકોએ ટ્યૂબ સર્વિસના ઉપયોગ પહેલા જ સ્ટેશનો બંધ હોવા વિશે તપાસ કરી લેવાની સલાહ પણ આપવામાં આવી છે.
RMT યુનિયને આ હડતાળના દોષનો ટોપલો લંડન અંડરગ્રાઉન્ડ લિમિટેડ (LUL)ની નાણાકીય કટોકટી પર નાખ્યો હતો. યુનિયને કહ્યું હતું કે કાપના એજન્ડાથી નોકરીઓ, સર્વિસીસ અને સલામતીને ગંભીર અસરો પહોંચી છે. વર્કર્સના પેન્શન્સ અને કામની પરિસ્થિતિમાં ફેરફારો ગેરવાજબી હોવાનું પણ જણાવાયું હતું.