સિરીયા અને ઇરાકમાં આતંક મચાવતા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઅોથી પ્રેરાઇને વેસ્ટ લંડનની ગેંગના ચાર સભ્યોની લંડનની શેરીઅોમાં શુટઆઉટ દ્વારા પોલીસ અને સૈનિકોની હત્યા કરવાનું કાવતરૂ ઘડતા તેમની સામે સુનાવણી હાથ ધરાઇ છે. આશ્ચર્યની વાત એ છે કે કોર્ટમાં કરાયેલા આક્ષેપ મુજબ ગેંગનો સુત્રધાર ૨૨ વર્ષનો તારીક હસન સુદાનના ખાર્ટુમની યુનિવર્સિટી અોફ સાયન્સ અને ટેક્નોલોજીનો મેડિકલ વિદ્યાર્થી છે જ્યારે મજીદ પ્રતિષ્ઠીત કિંગ્સ કોલેજ લંડનનો ફીજીક્સનો વિદ્યાર્થી છે.
પ્રોસીક્યુટરે અોલ્ડ બેઇલી કોર્ટને જણાવ્યું હતું કે 'ગેંગે ચાર બંદુક અને કારતુસોનો જથ્થો એકત્ર કર્યો હતો અને તેઅો મોપેડ ખરીદવા માંગતા હતા. તેમણે વેસ્ટ લંડનના કેટલાક સ્થળોનો પણ ગુગલ સ્ટ્રીટ વ્યુની ફોટોમેપીંગ ટેક્નીક્સનો ઉપયોગ કરી શૈફર્ડ બુશ પોલીસ સ્ટેશન અને વ્હાઇટ સીટી સ્થિત પેરાશ્યુટ રેજીમેન્ટ ટેરીટોરિયલ આર્મી બેરેક્સના સ્થળનો અભ્યાસ કર્યો હતો. નાથન કફી (૨૬), ન્યાલ હેમલેટ (૨૫), સુહૈબ મજીદ (૨૧) અને હસને આતંકવાદી કાવતરાને નકાર્યું છે. હસન મેડિકલનો અભ્યાસ કરતો હોવાથી સાગરીતો તેને 'સર્જન' ઉપનામ આપ્યું હતું.
કોર્ટમાં જણાવાયું હતું કે બીજા સાગરીતો પકડાઇ જતા હસને એકલે હાથે 'લોન વુલ્ફ' હુમલો કરવાનું નક્કી કર્યું હતું. સંડોવાયેલા કફીએ શસ્ત્રો પૂરા પાડ્યા હતા. પોલીસને કફીના ઘરના બેડરૂમમાંથી ચાર બંદુક અને કારતુસ મળ્યા હતા અને તેણે તેની કબુલાત કરી હતી. જ્યારે હેમલેટે મજીદને હથિયારો આપ્યા હોવાની કબુલાત કરી હતી. હસન સિવાયના બધાની ગત સપ્ટેમ્બર ૨૦૧૪માં ધરપકડ કરાઇ હતી. સુનાવણી હજુ ચાલુ છે.