લંડનઃ બ્રેક્ઝિટની સૌથી ખરાબ અસર લંડન સિટીને થશે તેમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) માને છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરની ૨૦ ટકા એટલે કે ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ યુરોપના ફ્રેન્કફર્ટ જેવા સેન્ટરમાં ટ્રાન્સફર કરાશે, જેના પરિણામે સિટીમાંથી મોટી હિજરત થશે તેમ ગ્રૂપના અભ્યાસના તારણો કહે છે. બેન્ક્સ અને અન્ય કંપનીઓ તેમના યુરોપિયન હેડક્વાર્ટર્સ ઈયુમાં ખસેડવા કે નહિ તેની ચર્ચાઓમાં છે. જો આમ થશે તો નાણાકીય કટોકટી પછી બ્રેક્ઝિટના કારણે નોકરીઓની સૌથી મોટી હિજરત સર્જાશે.
BCG દ્વારા યુકે, ફ્રાન્સ, યુએસ અને જર્મનીના ૩૬૦ અગ્રણી બેન્કર્સને બ્રેક્ઝિટની અસરો વિશે પ્રશ્નો કરાયા હતા, જેના ઉત્તરમાં જણાવાયું હતું કે લંડનમાંથી ૨૦ ટકા નોકરીઓ અન્યત્ર ખેંચાઈ શકે છે. નાણાકીય કટોકટીના ૨૦૦૭થી ૨૦૧૦ના ગાળામાં લંડનના ફાઈનાન્સિયલ સેક્ટરની ૫૫,૦૦૦ નોકરીઓને અસર થઈ હતી તેનાથી પણ આ વધુ ખરાબ સ્થિતિ હશે. જોકે, બ્રેક્ઝિટ મત અગાઉ, HSBC અને ગોલ્ડમેન શાસ દ્વારા લંડનમાંથી કેટલીક નોકરીઓ પેરિસ સહિત અન્યત્ર ખસેડવા સંકેત આપ્યો હતો, પરંતુ હવે યુકે સાથે પ્રતિબદ્ધતાના પુનરુચ્ચાર કરી સ્ટાફમાં તાત્કાલિક ફેરબદલ નહિ થાય તેમ જણાવી ચૂક્યા છે.
બેન્કિંગ નોકરીઓમાં ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન્સ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ટ્રેડિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈન્સ્યુરન્સ, ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી નોકરીઓ પણ અન્યત્ર જઈ શકે છે. જર્મની અને ફ્રાન્સ કુશળ પ્રોફેશનલ સ્ટાફને આવકારવા તૈયાર છે.