યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.
૧૯ જુન, ૨૦૧૭ : ફિન્સબરી પાર્ક મસ્જિદ નજીક વાન વડે હુમલો, એકનું મોત અને ૧૧ને ઈજા.
૩જુન, ૨૦૧૭ : લંડન બ્રીજ પર આતંકીઓ દ્વારા વાન દોડાવી લોકોને કચડવાના પ્રયાસમાં આઠના મોત, ૪૮ ઘાયલ
૨૨ માર્ચ, ૨૦૧૭ : વેસ્ટમિન્સ્ટર આતંકી હુમલામાં પોલીસ અધિકારી સહિત છ લોકોના મોત, ૪૦ને ઈજા
ઓક્ટોબર, ૨૦૧૬ : ભુગર્ભમાં ચાલતી ટયુબ ટ્રેનને આતંકીઓ નિશાન બનાવી વિસ્ફોટ કર્યો, કેટલાક લોકો ઘવાયા હતા
સપ્ટેમ્બર, ૨૦૧૫ : લિડનસ્ટોન ટયૂબ સ્ટેશન પર એક આતંકીએ ચપ્પુ વડે ત્રણ લોકોની હત્યા કરી. હુમલાખોરને આજીવન કેદની સજા
માર્ચ, ૨૦૧૩ : દક્ષિણ લંડનમાં બે આતંકીએ બ્રિટિશ રેજિમેન્ટના અધિકારી લી રિગ્બીની હત્યા કરી
૨૧ જુલાઇ, ૨૦૦૫ : શેફર્ડ બુશ, વોરેન સ્ટ્રીટ્સ અને ઓવેલ સ્ટેશન પર બ્લાસ્ટ થયા, એક બસમાં પણ વિસ્ફોટ
૯ જુલાઇ, ૨૦૦૫ : આતંકીઓએ લંડનના બસ રુટ અને ભુગર્ભ ટ્રેનને નિશાન બનાવી વિસ્ફોટ કર્યો
૭ જુલાઇ, ૨૦૦૫ : લંડનમાં આત્મઘાતી વિસ્ફોટોમાં ૫૨ લોકોના મોત, ૭૦૦થી વધુ ઘાયલ
બે વર્ષમાં યુરોપમાં આતંકી હુમલા વધ્યા
હાલ યુરોપિયન દેશો આઈએસ અથવા તો ઈસ્લામિક સ્ટેટ સંગઠનના નિશાના પર વધુ છે. છેલ્લા બે વર્ષમાં આ દેશોમાં હુમલાનું પ્રમાણ પણ વધી ગયું છે જેમ કે બ્રિટનમાં જ આ વર્ષે ત્રણ મોટા આતંકી હુમલા થયા હતા. સ્પેનમાં આ વર્ષે ૧૭મી ઓગસ્ટે હુમલામાં ૧૬નાં મોત થયા હતા.
ફ્રાન્સમાં સૌથી વધુ ૨૩૮ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ચાર મોટા હુમલા થયા હતા. જર્મનીમાં ૨૦૧૬માં એક મોટા હુમલામાં આશરે ૧૨ જેટલા મોત નિપજ્યા હતા.
બેલ્જિયમમાં એક હુમલામાં ૩૨ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૩૦૦ જેટલા ઘવાયા હતા. ડેન્માર્ક, રશિયા, સ્વીડન, તુર્કી સહિત દરેક યુરોપિયન દેશોમાં બે વર્ષમાં નાના મોટા અનેક હુમલા થઈ ચૂક્યા છે.