લંડન/અમદાવાદ: સેન્ટ્રલ લંડનમાં સ્ટ્રેન્ડ નજીક ક્રેવન સ્ટ્રીટ પર મંગળવારે વહેલી પરોઢે ૨.૦૦ વાગે ગેસની મેઈનલાઈનમાં લીકેજની ઘટના બની હતી. ગેસ ગળતરને લીધે આ વિસ્તારની હોટલ તથા બાજુની નાઈટ ક્લબમાંથી લગભગ ૧,૪૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. તેમાં વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા ૧૦ સભ્યોના ભારતીય ડેલિગેશનમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા અને ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન વિભાવરીબહેન દવેનો પણ સમાવેશ થતો હતો.
આ વિસ્તારના રહીશો અને હોટલમાં રોકાયેલા અતિથિઓને વ્હાઈટહોલ કોર્ટમાં રોયલ હોર્સગાર્ડ્સ હોટલ ખાતેના વિશ્રામ કેન્દ્રમાં ખસેડાયા હતા. ગેસ ગળતરની ઘટનાને લીધે તે વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો. ચેરીંગ ક્રોસ અને વોટરલૂ ઈસ્ટ સ્ટેશન બંધ કરી દેવાયા હતા. જોકે, થોડા કલાક બાદ બન્ને સ્ટેશન ફરી શરૂ કરાયા હતા.
લંડનમાં ૨૧થી ૨૫ જાન્યુઆરી સુધી યોજાયેલી ઈન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં વિભાવરી બહેન ઉપરાંત અન્ય ૪ રાજ્યોના પ્રતિનિધિ ભાગ લેવા આવ્યા છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાના છે. યુકેના એજ્યુકેશન મિનિસ્ટર ડેમિયન હિન્ડસે સોમવારે એજ્યુકેશન ફોરમને ખુલ્લું મૂક્યું હતું. વિભાવરીબહેને જાતે જ વીડિયો ઉતારી ભાવનગર અને ગુજરાતના લોકોને પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વિભાવરીબહેન દવેનો સંપર્ક કરીને તેમના ખબર અંતર પૂછ્યાં હતાં. વિભાવરીબેનના પાસપોર્ટને નુકશાન થયું હોવાની કોઇ સત્તાવાર માહિતી મળી નથી. ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર ઓફ કો-ઓર્ડીનેશન એ. એસ. રાજને આ અંગે તપાસ કરી હતી, પરંતુ ભારતીય હાઇ કમિશનની પાસપોર્ટ શાખા કે અન્ય વિભાગને આ અંગેની જાણકારી ન હોવાનું જણાવાયું હતું.
ગુજરાત સમાચાર - એશિયન વોઇસ દ્વારા સાંજે વિભાવરીબહેન દવે સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેઓ હેમખેમ હોવાનું અને ઉતાવળે હોટેલ ખાલી કરવી પડી હોવાથી પાસપોર્ટ અને મોબાઇલ હોટેલમાં રહી ગયા હતા તેમ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ગેસ લીકેજને કારણે મળસ્કે ૩-૧૫ કલાકે ફાયર એલાર્મ વાગતા તેમને હોટેલના સ્ટાફે સુરક્ષિત રીતે બહાર ખસેડ્યાં હતાં અને પછી બ્રિટિશ કાઉન્સિલે તેમને સૌને બીજી હોટેલમાં ખસેડ્યા હતા. સાંજે તેઓ સૌ અંબા હોટેલ પર પરત થયા હતા. કોન્ફરન્સમાં સામેલ તેઓ એક માત્ર ભારતીય મહિલા મિનિસ્ટર છે. વિભાવરીબહેન ૨૮ તારીખના રોજ પરત થનાર છે.