લંડનઃ રાજધાનીમાં મકાનોની વધતી કિંમત અને જેન્ટ્રિફિકેશન અંગે વ્યાપક ચિંતા મધ્યે લંડનના મેયર સાદિક ખાને પ્રોપર્ટીની વિદેશી માલિકી અંગે અભૂતપૂર્વ તપાસ હાથ ધરવાની જાહેરાત કરી છે. ખાને જણાવ્યું હતું કે ઓવરસીઝ ઈન્વેસ્ટર્સ દ્વારા ખરીદાતા મકાનોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યાની ચિંતા દર્શાવાય છે ત્યારે આ ઈન્ક્વાયરી સૌપ્રથમ વખત સમસ્યાનું કદ દર્શાવશે.
મેયર સાદિક ખાને ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે લંડનના હાઉસિંગ બજારમાં વિદેશી નાણા કઈ વિવિધ ભૂમિકા ભજવે છે, આનું કેટલું પ્રમાણ છે તેમજ લંડનવાસીઓને ઘર શોધવામાં કેવી મદદ કરી શકાય તે આપણે જાણવાની જરુર છે. આથી જ, બ્રિટનમાં સૌથી મોટા સંશોધનને અમે હાથ ધરી રહ્યા છીએ.
અગાઉ જાહેર માહિતી અનુસાર વોક્સોલમાં થેમ્સના કિનારે ૫૦ માળના ૨૧૪ લક્ઝરી એપાર્ટમેન્ટ બ્લોકમાં ૬૦ ટકાથી વધુ માલિકી વિદેશી ખરીદારોની હતી,જેના ૨૫ ટકા ફ્લેટ્સ ગુપ્ત ઓફશોર ટેક્સ હેવન્સમાં આવેલી કંપનીઓ હસ્તક હતા અને ઘણા ફ્લેટ્સ ખાલી પડ્યા હતા.
નિષ્ણાતો એવી આગાહી કરે છે કે આગામી દાયકામાં યુકે સહિત ગ્લોબલ પ્રોપર્ટીમાં ચીનના મિડલ-ક્લાસ રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ નોંધપાત્ર વધી ૧૫૦ બિલિયન પાઉન્ડ થઈ જશે. ચીન માટે મહત્ત્વની વાત એ છે કે વિશ્વમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૬૮ શહેરો છે, જે વિશાળ બજાર છે. બ્રેક્ઝિટ પછી યુકે રિયલ એસ્ટેટ માર્કેટ ઉચકાયું છે. વિદેશી ખરીદારો માટે આકર્ષક મળતર હાંસલ કરવા લંડન પછી માન્ચેસ્ટર, બર્મિંગહામ અને લિવરપૂલ હોટસ્પોટ બની રહ્યા છે.
યુકેમાં વિદેશી રોકાણથી નવા પ્રોપર્ટી બાંધકામને ઉત્તેજન મળ્યું છે. લિવરપૂલને ગત પાંચ વર્ષમાં ૨૦૦ મિલિયન પાઉન્ડના નવા ચાઈનાટાઉન હાઉસિંગ પ્રોજેક્ટ સહિત હાઉસિંગ અને પ્રોપર્ટી ક્ષેત્રમાં લાખો પાઉન્ડનું વિદેશી રોકાણ મળ્યું છે. શેફિલ્ડ કાઉન્ટીએ પણ આગામી ત્રણ વર્ષમાં ચાર કે પાંચ સિટી સેન્ટર પ્રોજેક્ટ્સ માટે ચાઈનીઝ કન્સ્ટ્રક્શન ફર્મ સાથે મલ્ટીબિલિયન પાઉન્ડના સોદાની જાહેરાત કરી છે.