લંડનઃ મેયર સાદિક ખાન ૨૫ ઓક્ટોબરથી દૈનિક ૨૭.૫૦ પાઉન્ડના નવા કાર ટેક્સ માટે એલ્ટ્રા લો એમિશન્સ ઝોન (ULEZ)નો વિસ્તાર કરી રહ્યા છે. જેના પરિણામે, લંડનના હજારો વાહનચાલકોને અસર થશે. જોકે, મેયર ખાને જણાવ્યું છે કે તેનાથી લંડનમાં રહેતા લાખો નાગરિકોને આરાગ્યનો ફાયદો થશે. ULEZમાં રહેતા ૧૦માંથી ઓછામાં ઓછાં ૬ પરિવાર કાર ધરાવતા નથી છતાં, કારથી સર્જાતા પોલ્યુશનના કારણે સહન કરી રહ્યા છે.
નવા કાર ટેક્સમાં પેટ્રોલ અને ડિઝલ કાર્સને રોડ્સના ઉપયોગ માટે કન્જેશન ચાર્જ ઉપરાંત, દૈનિક૧૨.૫૦ પાઉન્ડ ચૂકવવા પડશે. દૈનિક કન્જેશન ચાર્જ ૧૫ પાઉન્ડ હોવાથી કુલ ૨૭.૫૦ પાઉન્ડની રકમ ચૂકવવી પડશે. મેયર્સ ક્વેશ્ચન ટાઈમમાં બોલતા સાદિક ખાને જણાવ્યું હતું કે આનાથી શહેરની હવાની ગુણવત્તામાં ઝડપી સુધારો જોવા મળશે. મેયરે કહ્યું હતું કે, ‘આ મહિનાથી ULEZ વિસ્તારવા માટે હું ઘણો ઉત્સાહી છું. તેનાથી ઝોનની અંદર અને બહાર વસતા લાખો લંડનવાસીઓને સ્વચ્છ હવાના આરોગ્યના ફાયદાઓ મળશે.’
ખાને જણાવ્યું હતું કે નવા ULEZ અને ભારે વાહનો માટેના કડક લો એમિશન્સ ઝોન્સના પરિણામે ૨૦૨૧માં વાહનોમાંથી નાઈટ્રોજન ડાયોક્સાઈડ એમિશન્સમાં ૩૦ ટકાનો ઘટાડો થશે. આનો અર્થ એ છે કે ૨૦૨૧માં સમગ્ર લંડનમાં ૯૨ ટકા રોડ્સને નાઈટ્રોજન ડાયોક્સાઈડ એમિશન્સને કાનૂની મર્યાદામાં લાવી શકાશે.
વાહનચાલકો તેમના વાહનો નવા ULEZ નિયમો સાથે સુસંગત છે કે કેમ તેની ઓનલાઈન જાણકારી ટ્રાન્સપોર્ટ ફોર લંડન વેબસાઈટ પરથી મેળવી શકશે. આ માટે તેમણે પોતાની કારનો રજિસ્ટ્રેશન નંબર તેમજ કાર યુકેમાં કે વિદેશમાં રજિસ્ટર્ડ છે તે જણાવવું પડશે.