લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનાઆંકડા અનુસાર ગયા વર્ષમાં લંડનમાં જન્મેલા દરેક ૧૦માંથી સાત નવજાત બાળકના ઓછામાં ઓછાં એક પેરન્ટ વિદેશી કૂળના છે. કેટલાક સબર્બમાં આ આંકડો ૮૬ ટકા જેટલો ઊંચો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મેલા બાળકના એક પેરન્ટ વિદેશી હોય તેમની સંખ્યા વધીને ૩૩ ટકાએ પહોંચી છે. ટોની બ્લેર સરકારે પૂર્વ યુરોપમાંથી સામૂહિક માઈગ્રેશનના દ્વાર ખોલ્યાં તે અગાઉ વર્ષ ૨૦૦૦માં આ આંકડો ૨૧.૨ ટકા હતો.
ગયા વર્ષે કુલ ૬૯૭,૮૫૨ બાળકોનો જન્મ થયો હતો તેમાંથી ૨૩૦,૮૧૧ બાળકોનાં એક અથવા બે પેરન્ટ ઈમિગ્રન્ટ હતા. લંડનમાં માઈગ્રેશનની અસર જોરદાર જણાય છે, જ્યાં નવા જન્મેલા ૧૨૯,૬૧૫ બાળકોના ૭૦ ટકાના ઓછામાં ઓછાં એક પેરન્ટ દરિયાપારના હતા. પૂર્વના ન્યુહામ બરોમાં આ પ્રમાણ ૮૬.૪ ટકા અથવા કુલ ૬,૨૨૬ બાળકમાંથી ૫,૩૭૮ બાળકનું હતું. આ પછી, નોર્થ વેસ્ટ લંડનમાં બ્રેન્ટ (૮૬.૨ ટકા), વેસ્ટમિન્સ્ટર (૮૩.૫ ટકા) તેમજ કેન્સિંગ્ટન અને ચેલ્સી (૮૩.૨ ટકા) આવે છે. લંડનના ૩૨માંથી માત્ર ચાર બરોમાં અડધાથી ઓછાં નવજાત બાળકોના માતાપિતા નોન-બ્રિટિશ છે.
આ ડેટા પરથી ફલિત થાય છે કે સામૂહિક ઈમિગ્રેશનથી દેશનો ચહેરો બદલાઈ રહ્યો છે તેમજ હોસ્પિટલ્સ, ક્લિનિક્સ અને શિક્ષણ સહિત જાહેર સેવાઓ પર બોજો વધી રહ્યો છે. વિદેશમાં જન્મેલા માતાપિતાના બાળકોની સંખ્યા વધવાનું એક કારણ બ્રિટનમાં જન્મેલી માતાની સરખામણીએ ઈમિગ્રન્ટ્સમાં ફર્ટિલિટી દર ઊંચો હોવાનું પણ છે.