લંડન: કિંગ્સબરી ખાતે આવેલા વાસણા સંસ્થાના એક માળના સ્વામીનારાયણ મંદિરના ડિમોલિશનની મંજૂરી બ્રેન્ટ કાઉન્સિલ અને પ્લાનિંગ કમિટી દ્વારા અપાઈ છે. આ સ્થળે એક માળના મંદિરને તોડીને પાંચ માળના ભવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ અંગે SMVSના હરિભક્તોએ બ્રેન્ટ કાઉન્સિલનો સમુદાય સાથે અને સમુદાય માટે કામ કરવા બદલ આભાર માન્યો છે.
કૃણાલ ઠક્કરે જણાવ્યા અનુસાર હરિભક્તોએ વિશાળ મંદિરના નિર્માણ અર્થે બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી. સુનાવણી સમયે હરિભક્તોએ કાઉન્સિલને જણાવ્યું હતું કે, આ સ્થળે માત્ર સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તથા સમુદાયને સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહી કોઈ પ્રકારની ગુનાઈત પ્રવૃત્તિ આચરવામાં આવતી નથી. આ રજૂઆતના પગલે બ્રેન્ટ કોર્ટે આ એક માળના વેરહાઉસના ડિમોલિશનની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, એક માળના વેરહાઉસના બદલે પાંચ માળના મંદિર બનાવવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. કોર્ટની મંજૂરી મળ્યા બાદ સહુ હરિભક્તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. હરિભક્તોએ જણાવ્યું હતું કે આ મંદિરના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ પ્રાચીન પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં કરાશે તેમજ તે સામુદાયિક વ્યવસ્થા તથા ધાર્મિક પ્રતીકવાદનું પાલન કરનારું બની રહેશે.